વાંકાનેરના બોકડથંભામાં પીઠે ખંજવાળ આવતી હોવાનું કહી કપડાં બદલવા રૂમમાં ગઈ, અને ઘર સાફ કરી નાખ્યું
મોરબી : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે બીમાર સાસુની ખબર પૂછવા આવેલા લોકો સાથે આવેલી એક અજાણી મહિલા પર ઘરમાંથી દાગીના ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, મહિલા પીઠમાં ખંજવાળ આવતી હોવાનું કહી કપડાં બદલવાના બહાને રૂમમાં ગઈ હતી અને તે દરમિયાન રૂમમાં રાખેલી તિજોરીમાંથી સોનાની બે જોડી બુટ્ટી તથા ચાંદીના સાંકડા ચોરી લેવાયા હતા. ઘટનામાં કુલ રૂ.63 હજારની કિંમતના દાગીના ગુમ થતાં મામલે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઈ સરાવાડીયા (ઉ.વ.40) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સાસુ બીમાર હોવાથી તેમની ખબર પૂછવા માટે તેમના સંબંધી મનીષાબેન પોતાના સાથે એક અજાણી મહિલાને લઈને ઘરે આવ્યા હતા. આ દરમિયાન અજાણી મહિલાએ પોતાની પીઠના ભાગે ખંજવાળ આવતી હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ કપડાં બદલવાના બહાને તે ફરિયાદીના રૂમમાં ગઈ હતી. રૂમમાં રાખેલી તિજોરીમાંથી તેણે સોનાની બે જોડી બુટ્ટી અને ચાંદીના સાંકડા ચોરી લીધા હોવાની ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં દાગીના ગુમ થયાની જાણ થતાં તપાસ કરતાં 13 ગ્રામ વજનની સોનાની બે જોડી બુટ્ટી, કિંમત રૂ.50 હજાર તથા 300 ગ્રામ વજનના ચાંદીના સાંકડા, કિંમત રૂ.13 હજાર, મળી કુલ રૂ.63 હજારનો મુદ્દામાલ ચોરી થયાનું સામે આવ્યું હતું. આ અંગે શોભનાબેને અજાણી મહિલા સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ઓળખ તથા ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.