12 જાહેર ક્ષેત્રની બેંકોના આશરે 500 કર્મચારી-અધિકારીઓ કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવ્યો, 5 ડે બેંકિંગની માંગ સાથે PLIમાં અસમાનતાનો વિરોધ, ક્લિયરિંગ સહિતની કામગીરી ખોરવાઈ
મોરબી : આજે દેશવ્યાપી સરકારી બેંક હડતાળની વ્યાપક અસર મોરબી જિલ્લામાં પણ પડી હતી. મોરબી જિલ્લામાં આવેલી 12 જાહેર ક્ષેત્રની બેંકોના આશરે 500 કર્મચારી અને અધિકારીઓ હડતાળમાં જોડાતા રોજિંદી બેંકિંગ કામગીરીને ખોરવાઈ હતી. બેંકોમાં રોજિંદા નાણાકીય વ્યવહારોના કામકાજ બંધ રહેતા ચેક ક્લિયરિંગ સહિતના કામો અટવાયા હતા અને જિલ્લાના બેંકિંગ ક્ષેત્રમાં અંદાજે રૂ.500 કરોડથી વધુના ટર્નઓવર તથા ક્લિયરિંગ વ્યવહારો પ્રભાવિત થયાનો કર્મચારી સંગઠનોનો અંદાજ છે. હડતાળને પગલે કર્મચારીઓએ બેંકની બહાર એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. મોરબી જેવા ઔદ્યોગિક જિલ્લામાં બેંકિંગ વ્યવહારો સાથે ઉદ્યોગો, વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો મોટા પ્રમાણમાં જોડાયેલા હોવાથી એક દિવસની હડતાળથી નાણાકીય વ્યવહારોની ગતિને અસર થઈ હતી.
5 ડે બેંકિંગનો વાયદો હજુ નોટિફિકેશન સુધી પહોંચ્યો નહીં
કર્મચારી સંગઠનોની મુખ્ય માંગમાં સપ્તાહમાં પાંચ દિવસ બેંકિંગ વ્યવસ્થા લાગુ કરવાનો મુદ્દો છે. INBOCના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ મહેન્દ્ર પોપટના જણાવ્યા મુજબ તા.8 માર્ચ 2024ના વેજ રિવિઝન દરમિયાન 9 ટ્રેડ યુનિયનો સાથેની સમજૂતીમાં 5 ડે બેંકિંગની ભલામણ સ્વીકારી તેનો અમલ કરવાની વાત થઈ હતી. જોકે, આશરે 30 મહિના બાદ પણ આ અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર ન પડતાં કર્મચારીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
PLIની અસમાનતા દૂર કરવાની માંગ
બીજો મહત્વનો મુદ્દો પરફોર્મન્સ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને લઈને છે. કર્મચારી સંગઠનોનો આક્ષેપ છે કે યોજનામાં રહેલી અસમાનતાઓ દૂર કરવામાં આવે અને કર્મચારીઓ સાથે યોગ્ય ન્યાય કરવામાં આવે. આ બંને મુદ્દાઓને લઈને આજે મોરબી જિલ્લામાં પણ કર્મચારીઓએ કામકાજથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો.
તો, અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચીમકી
કર્મચારી આગેવાનોએ જણાવ્યું હતું કે હડતાળ કરવી કર્મચારીઓનો શોખ નહીં પરંતુ પડતર પ્રશ્નોના ઉકેલ માટેની મજબૂરી છે. સરકાર સાથે યોગ્ય સમાધાન નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. આગામી તા.28, 29 અને 30ના રોજ ત્રણ દિવસની હડતાળનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. ત્યારબાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબરથી દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચેતવણી કર્મચારી સંગઠનોએ આપી છે. આજે મોરબી જિલ્લામાં સરકારી બેંકોની કામગીરી પર પડેલી અસરથી એક તરફ કર્મચારીઓની પડતર માંગણીઓ ફરી ચર્ચામાં આવી છે, તો બીજી તરફ રૂ.500 કરોડથી વધુના વ્યવહારો પ્રભાવિત થવાના અંદાજને કારણે હડતાળની સ્થાનિક સ્તરે નાણાકીય અસર પણ સ્પષ્ટ જોવા મળી હતી.