Sunday - Jul 05, 2026

માળિયા(મી.) પોલીસ પાર્ટી પર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 ઝડપાયા

માળિયા(મી.) પોલીસ પાર્ટી પર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 ઝડપાયા

મોરબી : માળિયા મિયાણા પોલીસ ઉપર હુમલો કરનાર 7 મહિલા સહિત 9 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હજુ એક શખ્સ ફરાર હોય તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પકડાયેલા તમામ લોકો વિરૂદ્ધ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગે વિગતો આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું કે માળિયા મિયાણા પીઆઇ અને તેની ટિમ ખીરઇ ગામે ઇકબાલ ઉર્ફે ઇકો ઓસમાણ મોવર જે દારૂનો ધંધાર્થી છે તેને ત્યાં રેડ પાડવા ગઈ હતી. આ વેળાએ દારૂ મળ્યો હતો. ધરપકડ ટાળવા ત્યાંના લોકોએ હુમલો કર્યો હતો. ઇકબાલના પીતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લારખા અને 7 જેટલા મહિલાઓએ ભેગા થઈ હીંચકારો હુમલો કર્યો હતો. જેમાં પોલીસ મેનના માથામાં મરણતોલ જેવી ઇજા થઇ છે. છૂટો પથ્થરમારો પણ કર્યો હતો. આ તમામ સામે કલમ 307 અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઇકબાલ સામે પ્રોહિબિશનનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
રાત્રીના આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરતા ઇકબાલની બે અલગ અલગ દારૂની ભઠ્ઠીઓ મળી આવી છે. આ તપાસ મોરબી સિટી બી ડિવિઝનના પીઆઇ એન.બી.વસાવાને સોંપવામાં આવી છે. પોલીસે ઇકબાલ, તેના પોતા હાજી ઓસમાણ અને 7 મહિલાઓની ધરપકડ કરી છે. યુસુફ અલ્લારખા હાલ ફરાર છે. આ બનાવમાં 6 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. બેથી ત્રણ પોલીસમેનને વધારે ઇજા પહોંચી છે.