માળીયા મી. તાલુકો હોવાથી રદ થયેલું એકમાત્ર ધો.10ના પરીક્ષા કેન્દ્રને ફરીથી ચાલુ કરવા માંગ
મોરબી : માળીયા મિયાણામાં હાલના હાઈટેક યુગમાં પણ શિક્ષણની પૂરતી સવલતો ન હોવી એ કોઈ કાળે પરવડે એમ નથી. માળીયા તાલુકામાં હાલ કમસેકમ કોલેજ સુધીની શિક્ષણ વ્યવસ્થા તો હોવી જોઈએ એટલી વિદ્યાર્થીઓની અપેક્ષા છે. પણ એની સામે ધો.10 સુધીની જ શિક્ષણ વ્યવસ્થા જ હોય આવી પરિસ્થિતિ વચ્ચે માળીયાનું એકમાત્ર ધો.10નું પરીક્ષા કેન્દ્ર માસ કોપીને કારણે છીનવાઈ ગયું હતું. 2017માં માસ કોપીને કારણે ત્યારથી જ બોર્ડ દ્વારા માળીયાના આ એકમાત્ર ધો.10 પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવામાં આવ્યું હતું. જો કે દોષિતો સામે કડક કાર્યવાહી કરીને ત્યારબાદ બોર્ડની એક્ઝામમાં ફરીથી ચોરી ન થાય એના માટે ચુસ્ત બંદોબસ્ત સાથે કડક સુરક્ષા રાખવી જોઈએ. પણ બોર્ડ આવું ન કરીને હજુ સુધી કેન્દ્ર ચાલુ જ ન કરીને નિર્દોષ વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હોવાનું હાલની બોર્ડની એક્ઝામ આપવા જનાર વિદ્યાર્થીઓ હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.
કરે કોઈ અને ભરે કોઈ
માળીયાના યુવા અગ્રણી ઇકબાલભાઈ સાંધવાણીએ જણાવ્યું હતું કે, માળીયામાં વર્ષ 2017 એક જ ધો.10ની બોર્ડની પરીક્ષા કેન્દ્ર "અમુક" ની ગેરરીતિને કારણે છીનવાઈ ગયું હતું. કરે કોઈ અને ભરે કોઈ એ કહેવત સાચી ઠરતી હોય એમ 2017માં કેટલાક વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. જે તે વખતે દોષિતો સામે કાર્યવાહી થઈ હોય હવે એ સજાનું પ્રકરણ પૂરું થઈ ગયું હોય એવું લાગે છે. તો હવે વગર વાંકે નિર્દોષને અન્યાય શુ કામ ? છતાં એ દોષીતોની ભૂલનો ડામ દર વર્ષે અનેક નિર્દોષ વિદ્યાર્થીઓને દેવો કોઈ કાળે યોગ્ય નથી. વગર વાંકે દર વર્ષે નિર્દોષ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. કારણ કે, દર વર્ષે નિર્દોષ વિદ્યાર્થીઓને માળીયાથી 20.કિમિ દૂર પીપળીયા ચાર રસ્તા પાસેના કેન્દ્રમાં પરીક્ષા દેવા જવી પડે છે. આથી વિદ્યાર્થીઓના હિતમાં ફરીથી માળીયામાં ધો.10નું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવું જોઈએ.
દરખાસ્ત આવ્યા બાદ બોર્ડ જ નિર્ણય લઈ શકે
જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે, તે વખતે માળીયાના એકમાત્ર પરીક્ષા કેન્દ્ર એટલે જોશી હાઈસ્કૂલમાં એકીસાથે 10ની બોર્ડની એક્ઝામમાં આશરે 301 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા હતા. તે સમયે સીસીટીવી કેમેરામા આટલા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમા સાહિત્ય લઈને ચોરી કરતા હોવાનું ધ્યાને આવતા આ તમામને બોર્ડ સમક્ષ હાજર કરાયા બાદ બોર્ડના નિયમો મુજબ એ વિદ્યાર્થીઓ અને સુપરવાઝર તેમજ સ્થળ સંચાલક સામે કાર્યવાહી થઈ હતી. પછી બોર્ડ ગત 21,12, 2017ના રોજ માળીયાનું પરીક્ષા કેન્દ્ર રદ કરી દીધું હતું. પણ હવે અમારી પાસે દરખાસ્ત આવે તો એ દરખાસ્તની યોગ્ય કાર્યવાહી કરી બોર્ડને મોકલાવ્યા બાદ બોર્ડ જ કેન્દ્ર ફરીથી ચાલુ કરાવી શકે.
રોજ 20 કિમિના અંતરે જવામાં દિનચર્યા પર વિપરીત અસર
આગામી સમયમાં આવતી ધો. 10ની બોર્ડની એક્ઝામ આપનાર માળીયાના ધો.10ના વિદ્યાર્થી અસવદ અવેસભાઈ મોવરે જણાવ્યું હતું કે, પરીક્ષા ચાલુ થાય ત્યારે એ દિવસો ખૂબ મહત્વના હોય તેથી રોજની દિનચર્યા પર ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જેમાં માળીયા મિયાણા શહેરથી પરીક્ષા કેન્દ્ર પીપળીયા ચાર રસ્તા 20 કિમિ દૂર હોવાથી સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા ભારે કસરત કરવી પડે છે. સમયનું ખૂબ જ મેનેજ કરવાનું હોય જો રાત્રે મોડે સુધી વાંચીને સવારે મોડા ઉઠાય તો નાસ્તા વગર ભાગવાનું અને ભાડા પોસાય એમ ન હોવા છતાં જે હાથ લાગ્યું એ વાહનમાં બેઠા કે ઉભા ઉભા જવું પડે. જો કે વાહન સમયસર મળી જાય તો પોતાને ભાગ્યશાળી માનવા નહિતર વાહનની પ્રતીક્ષા માટે કલાકો સુધી ઉભું રહેવાનું આવી જ રીતે પરીક્ષા આપીને પરત અવવામાં ભારે હાલાકી થાય છે. જેથી નિદર, જમવા સહિતની દિનચર્યામાં વિપરીત અસર થવાથી સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે. આથી માળીયામાં ફરીથી ધો.10નું પરીક્ષા કેન્દ્ર ચાલુ કરવાની માંગ છે.