Saturday - May 16, 2026

માળીયા કચ્છ હાઇવે ઉપર પરપ્રાંતીય યુવકે ભારે વાહન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

માળીયા કચ્છ હાઇવે ઉપર પરપ્રાંતીય યુવકે ભારે વાહન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું

હળવદ નજીક અજાણી યુવતીનો કેનાલમાંથી મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી જિલ્લામાં જન્માષ્ટમીના સપરમાં દિવસે યમરાજાએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ અપમૃત્યુના ચાર બનાવ બન્યા હતા જેમાં હળવદ નજીક એક અજાણી યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો. સાથે જ માળીયા કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીક પરપ્રાંતીય યુવકે ભારે વાહન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.

અમદાવાદ - માળીયા હાઇવે ઉપર હળવદ નજીક અમૂલ ફર્નિચર શોરૂમ પાછળ નર્મદા કેનાલમાંથી અંદાજે 32થી 35 વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસે યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. બીજા બનાવમાં માળીયા કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસે મૂળ મધ્યપ્રદેશના ઉજ્જેનના વતની કમલ ભોગીરામ પરમાર ઉ.49 નામના યુવકે રોડ ઉપર પસાર થતા વાહન નીચે ઝંપલાવી જિંદગી ટૂંકાવી લીધી હતી.

ત્રીજા બનાવમાં મોરબીના મોટી વાવડી ગામે રાજેશભાઈની વાડીએ કામ કરતા અમીરચંદ સીતારામ ડાવર ઉ.35 નામના યુવકે ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચોથા બનાવમાં મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લેજન્ડ સિરામિક ફેકટરીમાં કામ કરતા રાજુભાઇ જગરૂપભાઈ ઉ.37 નામના યુવાનને વીજ શોક લાગતા મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.