મોરબી : મોરબીના નીચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતો યુવાન ઉપર ઘાત ત્રાટકી હતી. જેમાં બહેનના લગ્નમાં લીધેલા પૈસા યુવાનને ચૂકવવાના બાકી હોય તેથી તેના પરિવારના લોકોએ આ પૈસા ચૂકવે પછી વતનમાં આવવાનું કહેતા લાગી આવવાથી આ યુવાને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.
મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલમાં મોરબીના નીચી માંડલ નજીક સિમેરો સીરામીકમાં કામ કરતા પ્રદીપ શિવપ્રસાદ ગડારી નામના યુવાને તેના જ કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ મૃતક યુવાન મધ્યપ્રદેશનો વતની હોય અને અહીંયા એક વર્ષથી સીરામીક ફેકટરીમાં કામ કરતો હોય પણ હવે વતનની યાદ આવતા અને વતન જવું હોય પણ તેના પરિવારના લોકોએ તેની બહેનના લગ્ન માટે લીધેલા પૈસા ચૂકવવાના બાકી હોય એ પૈસા પહેલા ચૂકવ્યા પછી જ વતનમાં આવું તેવું કહેતા મૃતક યુવકને હાડોહાડ લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભરી લેતા તેના પરિવારમાં હૈયાફાટ આક્રંદ મચી ગયો હતું. મોરબી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.