મોરબીમાં લાંબા સમયથી રોડ, ગટર, પાણી લાઈટ, રખડતા ઢોરના પ્રશ્નો અણઉકેલ રહેતા આ પ્રજાના પ્રશ્ને તંત્રને ઢંઢોળવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જો કે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને વહીવટીદાર રજુઆત વખતે હાજર ન રહેતા હોય હેડ ક્લાર્ક સમજાવી ખાતરી આપી તગેડી મૂકી પછી કામ જ ન કરતા હોવાથી કોંગીજનોએ અધિકારીઓ સહિત પાલિકા તંત્ર ઉપર ભારે તડાપીટ બોલવી હતી. તેમજ તંત્ર અને ભાજપના નામની નારેબાજી કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત જ્યાં સુધી ચીફ ઓફિસર ન આવે ત્યાં સુધી કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો રામધૂન બોલાવીને ધરણા પર બેસી રહેતા પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.
મોરબી શહેર કોંગ્રેસ દ્વારા લોકોના વિવિધ પ્રશ્ને તંત્રને ઢઢોળવા રામધૂન બોલાવીને તંત્રને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહના કહેવા મુજબ 15 દિવસથી લોકોના પ્રશ્નો માટે લડત ચલાવે છે. દરેક વિસ્તારમાં સમસ્યાઓ વધી છે. રોડ રસ્તા લોકોના હાથપગ ખોખરા કરી નાખે એવા છે અને ભૂગર્ભ ગટરની ગંદકીએ માજા મૂકી છે. મોટાભાગના વિસ્તારોમાં ગટર ઉભરવાની સમસ્યાથી પ્રભાવિત છે.કોઈ એવો વિસ્તાર નહિ હોય જ્યાં ખુટિયાઓનો ત્રાસ નહિ હોય, તેઓનો પક્ષ તેમજ લોકો રજુઆત કરે છે. કારણ કે રજુઆત વખતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને વહીવટીદર હાજર હોતા જ ન હોવાનો તેમજ અઠવાડિયામાં એક વખત હાજર રહેતા હોવાનો આક્ષેપ કર્યો છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, લોકો કે કોંગ્રેસ જ્યારે જ્યારે રજુઆત કરવા આવે ત્યારે હેડ ક્લાર્ક માત્ર સાંભળવા ખાતર રજૂઆત સાંભળીને પછી ભૂલીને કામ કરતા જ નથી. આથી તંત્ર અને અધિકારીઓને પ્રજાના કામો કરવાની સદબુદ્ધિ આવે તે માટે ભગવાન શ્રી રામનું શરણ લઈને રામધૂન બોલાવી હતી. તેમજ હેડ ક્લાર્કને વિસ્તાર વાઇઝ સમસ્યાઓની યાદી તૈયાર કરીને આપી હતી અને જ્યાં સુધી પ્રજાના પ્રશ્નો હલ ન થાય ત્યાં સુધી રામધૂન બોલાવીને ધરણા પર બેસી રહેતા પોલીસે તમામ પ્રદર્શનકારી કોંગીજનોની હાથ ઝાલી કે ટીંગા ટોળી કરી પોલીસને વેનમાં લઈ ગયા હતા. પણ કોંગ્રેસના અગ્રણીઓએ જતા જતા પણ ભાજપ વિરુદ્ધ નારે બાજી કરી હતી.
લોકસભાની ચૂંટણી અગાઉ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પણ ચૂંટણી પુરી થયા બાદ આ અંગે સ્થાનિક કે રાજ્ય કક્ષાએ કોઈપણ પ્રકારની હિલચાલ કરવામાં આવી નથી. પણ આગામી સમયમાં એટલે ગમે ત્યારે મનપાની વિધિવત ચૂંટણી જાહેર થવાની શકયતા છે. જો કે હાલ મોરબી પાલિકામાં કોઈ બોડીનું નહિ પણ વહીવટીદારનું શાસન છે. ગયા વખતની ટર્મમાં નગરપાલિકાની કોંગ્રેસનો વ્હાઇટ વોશ કરીને ભાજપ સર્વોચ્ચ સતાના સ્થાને બેઠું હતું. પણ ઝૂલતાપુલની દુર્ઘટનામાં ભાજપના એકચક્રી શાસનનો અંત આવ્યો હતો. જો કે હવે મનપાની ચૂંટણી તોળાતી હોય ત્યારે કોંગ્રેસે ભાજપને ભીડવવા માટે અત્યારથી જ તૈયારી કરી લીધી હોય એમ અને ફરી વ્હાઇટ વોશ ન થાય તે રીતે પ્રજાના પ્રશ્નો ઉઠાવવા મેદાને પડ્યું છે અને અધિકારીઓ પર નિશાન તાકીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યું છે. સામે પક્ષે મોરબી ભાજપનો ગઢ હોવાથી ભાજપ હજુ સુધી મનપાના જંગ માટે એલાન કર્યું નથી. તેથી આ બે માંથી કોણ મનપામાં સતા સ્થાને આવશે ? કે ત્રીજો પક્ષ (આમ આદમી પાર્ટી) મેદાન મારી જશે ? તે આવનારા સમય માં જોવાનું રહ્યું. કે પ્રજા માટે જેસે થે જેવી જ સ્થિતિ કાયમ રેહશે એ તો સમય જ કહેશે.