Saturday - May 02, 2026

થર્ટી ફર્સ્ટ માટે મંગાવેલ રૂ.40 લાખનો દારૂ-બિયર ટંકારાના બંગાવડી નજીક ઝડપાયો

થર્ટી ફર્સ્ટ માટે મંગાવેલ રૂ.40 લાખનો દારૂ-બિયર ટંકારાના બંગાવડી નજીક ઝડપાયો

ટંકારા : થર્ટી ફર્સ્ટ હવે નજીક આવી રહી છે. ત્યારે તેની ઉજવણી માટે દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોય છે. તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટંકારાના બંગાવડી ગામ પાસેથી ટ્રકમાંથી રૂ.40 લાખ જેટલી માતબર રકમનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો છે.

ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીના પ્રયાસો ચાલુ જ છે. ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમે ટંકારા તાલુકાના લતીપર રોડ ઉપર બંગાવડી ગામના કાચા રસ્તા પાસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ટ્રકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

SMCના અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્ત માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જથ્થામાં આશરે ૨૪૪ પેટી દારૂ હતો, જેમાં અંદાજે ૩ હજાર જેટલી બોટલોનો સમાવેશ થાય છે. આ જથ્થાની કુલ કિંમત ૪૦ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.ખાસ કરીને નવા વર્ષની ૩૧મી ડિસેમ્બર પહેલા આવા જથ્થાની હેરાફેરી વધી જતી હોવાથી SMCની ટીમ સતર્ક બની છે. આ કાર્યવાહી PSI કે.એચ. જનકાંતની આગેવાની હેઠળની ટીમે કરી હતી.દરોડા વખતે સ્થળ પર પંચનામા સહિતની કાયદેસર કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.