11 વર્ષ પૂર્વે એકની હત્યા અને બીજાની હત્યાના પ્રયાસના કેસમાં કોર્ટનો ચુકાદો
મોરબી : હળવદના એક ગામે વર્ષ 2014માં એક પરિવારની પુત્રીને ભગાડી જવામાં સફળ ન થતા બે શખ્સોએ મરચાનો પાવડર ઉડાડી, છરી વડે હુમલો કરીને એક વ્યક્તિની હત્યા અને બીજા વ્યક્તિ પર ખૂની હુમલો કર્યાનો કેસ મોરબીની કોર્ટેમાં ચાલી જતા સરકારી વકીલે ધારદાર દલીલો સાથે સજ્જડ પુરાવા રજૂ કરતા કોર્ટે બે આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં મહિલાએ તા. 5/8/2014ના રોજ બે શખ્સો રાજેશભાઈ ઉર્ફે મુન્નો મનજીભાઈ પટેલ અને સુધીરભાઈ પંકજભાઈ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાજેશ પટેલે અગાઉ ફરિયાદીની પુત્રીને ભગાડી જવાનો હીન પ્રયાસ કર્યો હતો, તેમાં આરોપી સફળ ન થતાં તેનું મનદુઃખ રાખીને બદલો લેવાના ઈરાદે બંને આરોપીઓએ એકસંપ થઈને કાવતરું રચ્યું હતું અને છરી તથા મરચાનો પાવડર લઈને ફરિયાદીના ઘરે ધસી ગયા હતા અને આરોપીઓએ ફરિયાદી અને તેમના પતિ પર મરચું પાવડર ઉડાડી, ગાળો આપી અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીના પતિ લક્ષ્મણભાઈ મોરવાડીયાને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને છોડાવવા વચ્ચે પડેલા ભરતભાઈ મગનભાઈ મોરવાડીયા (ઉં.વ. 30) ને પણ જીવલેણ ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે તે સમયે પોલીસે બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આ કેસ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા કોર્ટે જિલ્લા સરકારી વકીલ વિજય જાનીએ રજૂ કરેલા પુરાવા અને દલીલોના આધારે આ બંને આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કારાવાસ અને રૂ. 35,000 દંડની સજા ફટકારી છે.