મામલતદાર અને બી ડિવિઝન પોલીસે ડીમોલેશનની કાર્યવાહી કરી
મોરબી : મોરબીમાં પોલીસ અને વહીવટી તંત્ર અસામાજિક તત્વોની ગેરકાયદે પ્રવૃત્તિઓને નસ્તેનાબૂદ કરવા મેદાને પડ્યું છે. જેમાં થોડા દિવસો અગાઉ અરૂણોદય સર્કલ પાસે બે રીઢા ગુનેગારોએ સરકારી જમીન પર ગેરકાયદેસર ખડકી દીધેલા દબાણો હટાવ્યા બાદ આજે ફરી બી ડિવિઝન પોલિસ ટીમ અને મામલતદાર સહિતની ટીમે ઇન્દિરાનગર વિસ્તારમાં દારૂ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બે રીઢા ગુનેગારોએ સરકારી જમીન પર ગેરકાયદે ખડકેલા પાકા બાંધકામના દબાણો હટાવી કરોડોની સરકારી જમીન દબાણ મુક્ત કરી છે.
મોરબીમાં અસામાજિક તત્વોના દબાણો સામે વધુ એકવાર ઝુંબેશ રૂપે કાર્યવાહી કરવામાં આવી છે. આજે ડીવાયએસપી, બી ડિવિઝન પીઆઇ, તાલુકા મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇન્દિરાનગર વિસ્તારમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલ બે અસામાજિક તત્વોના મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં વાલજીભાઈ ઉર્ફે વાલો શામજીભાઈ જીંજુવાડિયાનું સર્વે નં. 196 પૈકી 1ની જગ્યામાં આવેલ 100 ચો.મી.નું મકાન અને મનસુખભાઈ હનાભાઈ ચાવડાનું સર્વે નં. 190 પૈકી 3ની જગ્યામાં આવેલ 250 ચો.મી.નું મકાન હિટાચી વડે તોડી પાડવામાં આવ્યું છે. આમ આજે અંદાજે 75 લાખની કિંમતની સરકારી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે.