Tuesday - Jun 30, 2026

મંદિરનો વંડો બનાવવા રૂપિયાની ઉઘરાણી મામલે થયેલી હત્યાના બે આરોપીઓને આજીવન જેલ

મંદિરનો વંડો બનાવવા રૂપિયાની ઉઘરાણી મામલે થયેલી હત્યાના બે આરોપીઓને આજીવન જેલ

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે
વર્ષ 2021માં થયેલી હત્યા કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

મોરબી : મોરબી તાલુકાના પીપળીયા7 ગામ નજીક વર્ષ 2021 માં મંદિરનો વંડો બનાવવા માટે રેતીની ગાડીઓમાંથી ધર્માદાના રૂપિયા ઉઘરાવવાની હાજરીના બાકી નાણાં માંગવા બાબતે થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં મોરબીની અદાલતે બે આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.

ગત તારીખ 16/10/2021 ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પીપળીયા રેલ્વે સ્ટેશન સામે ફગસીયા ગામ તરફ જતા રસ્તા પર આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. પીપળીયા ગામમાં શંકરના મંદિર ફરતે વંડો બનાવવા માટે રેતીની ગાડીઓમાંથી ધર્માદાના રૂપિયા ઉઘરાવવા સારૂ પૃથ્વીરાજસિંહે અબ્દુલભાઈ હમજાનભાઈ કમોરા અને આરોપી સલીમભાઈ ઇલ્યાસભાઈ કમોરાને હાજરીમાં રાખ્યા હતા. આ હાજરીના બાકી નીકળતા રૂપિયા અબ્દુલભાઈએ સલીમભાઈ પાસે માંગતા સલીમભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી જપાજપી કરી હતી. ત્યારબાદ આરોપી અનવરભાઈ ઇકબાલભાઈ કમોરા મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. સલીમભાઈએ અબ્દુલભાઈને પકડી રાખ્યા હતા અને અનવરભાઈએ પોતાના નેફામાંથી છરી કાઢી અબ્દુલભાઈને બંને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં અબ્દુલભાઈની બંને કિડનીમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફિરોજભાઈ હમજાનભાઈ કમોરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ મોરબીના ત્રીજા એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ સંજય સી. દવેની ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને અદાલતે બંને આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા હતા. અદાલતે સલીમભાઈ ઇલ્યાસભાઈ કમોરા (ઉ.વ. 27, ધંધો-મંડપ સર્વિસ, રહે. નીરૂબેન નગર, ચાચાવદેડા, માળિયા મી.) અને આરોપી, અનવરભાઈ ઇકબાલભાઈ કમોરા (ઉ.વ. 27, ધંધો-મંડપ સર્વિસ, રહે. નીરૂબેન નગર, ચાચાવદેડા, માળિયા મી.) ને ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 114 મુજબના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ બંને આરોપીઓને રૂપિયા 5,000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.