ધોરણ ૫ની પ્રવેશ અને પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, ધોરણ ૮ની રાષ્ટ્રીય સાધનસહ મેરીટ શિષ્યવૃત્તિ તથા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પરિણામ
મોરબી : મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળાના વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેળવેલી સિદ્ધિને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય દ્વારા શાળાને અભિનંદન પત્ર અર્પણ કરવામાં આવ્યો છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં ધોરણ ૫ માટે લેવાતી સામાન્ય પ્રવેશ પરીક્ષા તથા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ ૮ માટે લેવાતી રાષ્ટ્રીય સાધનસહ મેરીટ શિષ્યવૃત્તિ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો હતો. વિદ્યાર્થીઓના આ પરિણામની નોંધ લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શાળા પરિવારને અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. અભિનંદન પત્રમાં જણાવાયું છે કે શિક્ષણ દ્વારા વ્યક્તિના આચાર, વિચાર અને મૂલ્યોનું ઘડતર થાય છે. વિદ્યાર્થીઓની સફળતા પાછળ તેમની મહેનત અને તત્પરતા ઉપરાંત શિક્ષકોની અધ્યાપન પદ્ધતિ અને માર્ગદર્શન પણ મહત્વનું હોય છે. વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓ આગળના અભ્યાસમાં આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પાઠવવામાં આવેલા આ અભિનંદન પત્ર બદલ પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ તથા સમગ્ર શાળા પરિવારે રાજ્ય પરીક્ષા બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો.