Tuesday - Sep 15, 2026

માળીયાના મોટીબરાર ગામે વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે જીવન ઉપયોગી વ્યવસાયોનું મેળવ્યું પ્રત્યક્ષ જ્ઞાન

માળીયાના મોટીબરાર ગામે વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે જીવન ઉપયોગી વ્યવસાયોનું મેળવ્યું પ્રત્યક્ષ જ્ઞાન

બેગલેસ ડે અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ લુહારીકામ અને દરજીકામના કારીગરોની મુલાકાત લઈ વ્યવસાય અને જીવન કૌશલ્યની પ્રત્યક્ષ સમજ મેળવી

મોરબી : પાઠ્ય પુસ્તકમાં વાંચેલા જ્ઞાનને રોજિંદા જીવન સાથે જોડવાના હેતુથી માળીયા મી.ના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બેગલેસ ડે અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વ્યવસાયલક્ષી કાર્યનું પ્રત્યક્ષ જ્ઞાન મળે તેવા હેતુથી અલગ અલગ વ્યવસાયલક્ષી જ્ઞાન આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ગામમાં જ લુહારીકામ અને દરજીકામ કરતા કારીગરોની મુલાકાત કરાવી તેમના કામની પ્રત્યક્ષ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

લુહારીકામ કરતા કારીગરની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ કામમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો, લોખંડને આકાર આપવાની પદ્ધતિ, કામ માટે જરૂરી કૌશલ્યો તેમજ લુહારીકામ સાથે સંકળાયેલી બાબતો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. કારીગરોએ પણ વિદ્યાર્થીઓને પોતાની કામગીરી અંગે માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દરજીકામ કરતા કારીગર પાસે પહોંચ્યા હતા. જ્યાં સિલાઈ મશીનની કામગીરી, કપડાંની માપણી, કાપકામ અને સિલાઈની પ્રક્રિયા સહિત દરજીકામમાં જરૂરી કૌશલ્યો અંગે વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર કારીગરોનું કામ નિહાળ્યું નહીં, પરંતુ કોઈપણ વ્યવસાય પાછળ રહેલી મહેનત, કૌશલ્ય અને સ્વરોજગારનું મહત્વ પણ સમજ્યું હતું. વર્ગખંડ અને પાઠ્યપુસ્તકની બહાર નીકળીને પોતાના ગામમાં ચાલતા પરંપરાગત વ્યવસાયને નજીકથી જાણવાનો વિદ્યાર્થીઓને અનુભવ મળ્યો હતો. શાળાના આચાર્ય અનિલ બદ્રકિયાએ જણાવ્યું હતું કે, બેગલેસ ડે અંતર્ગત આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ સાથે વ્યવસાયિક સમજ અને જીવનકૌશલ્ય મેળવવાની તક મળે છે.

માળીયાના મોટીબરાર ગામે વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે જીવન ઉપયોગી વ્યવસાયોનું મેળવ્યું પ્રત્યક્ષ જ્ઞાન