Saturday - May 16, 2026

મોરબી જિલ્લામાં 48 અધિકારીઓના એસી ચેમ્બર છોડીને ગામડાઓમાં ધામા

મોરબી જિલ્લામાં 48 અધિકારીઓના એસી ચેમ્બર છોડીને ગામડાઓમાં ધામા

મોટાભાગે એસી ચેમ્બરમાં જ બેસીને તાળો મેળવતા સરકારી બાબુઓને હવે કલેકટરના આદેશથી વિવિધ સુવિધાઓની સત્યતા ચકાસવા ગામડાઓની ગરમીમાં પરસેવે રેબઝેબ થવું પડ્યું

મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ 48 સરકારી બાબુઓને ગામડાઓમાં દોડાવ્યા છે. મોટાભાગે આ સરકારી બાબુઓ એસી ચેમ્બરમાં જ બેસીને તાળો મેળવી લેતા હોય છે. પણ હવે કલેકટરે આ 48 અધિકારીઓને ગામડાઓમાં સરકારની આરોગ્ય, શિક્ષણ, પોષણ, પીવાના પાણી સહિતની સેવાઓ અને સુવિધાઓની સુલભતાનું તલસ્પર્શી નિરીક્ષણ કરવા મોકલ્યા છે. જો કે નેતાઓ પોતાના મતના પ્રલોભન માટે પાંચ વર્ષમાં એકવાર જનતા પાસે જતા હોય છે. હવે અધિકારીઓ ગામડાઓમાં સુવિધાઓ મળે છે કે નહીં એની ચકાસણી કરવા ગયા છે. ત્યારે એની ફલશ્રુતિ શુ આવશે ? શુ આનાથી ગામડાઓનો વિકાસ વધશે અને ગામડાઓમાં સમૃદ્ધિ આવશે ખરી ?

નાગરિકલક્ષી અભિગમ અને છેવાડાના જન-જન સુધી સરકારી યોજનાઓ અને સુવિધાઓની સુલભતા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાના દાવા સાથે જિલ્લા વહીવટી તંત્રના 48 અઘિકારીઓ આજે જિલ્લાના વિવિધ ગામડાઓમાં સરકારી સેવાઓ અને પ્રાથમિક સુવિધાઓ બાબતે સાચી સ્થિતિની સમીક્ષા કરવા ગામડાઓમાં દોડી ગયા છે. જેમાં મોરબી તાલુકાના 13, વાંકાનેર તાલુકાના 12, હળવદ તાલુકાના 9, ટંકારા તાલુકાના 6 અને માળિયા તાલુકાના 8 મળી જિલ્લાના કુલ 48 ગામડાઓમાં વહીવટી તંત્રના વર્ગ 1 અને વર્ગ 2ના ઉચ્ચ અધિકારીઓએ વિવિધલક્ષી તપાસ હાથ ધરી છે. સવારે 8 કલાકથી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત કરી આકસ્મિક તપાસની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં આરોગ્ય સ્ટાફની હાજરી દવાના જથ્થાની ઉપલબ્ધતા વગેરેની તપાસ કરવામાં આવી રહી છે. પશુ દવાખાનામાં પણ પશુ ડોક્ટરની હાજરી, આંગણવાડીમાં સ્ટાફની હાજરી બાળકોની નિયમિતતા તથા બાળકોને આપવામાં આવતા પૌષ્ટિક નાસ્તા/ભોજનનું નિરીક્ષણ, પંચાયતમાં તલાટી/ગ્રામ સેવક વગેરેની હાજરી અને કામગીરી અને વિવિધ યોજનાઓની અમલવારી, સરકારી શાળાઓમાં શિક્ષકોની નિયમિતતા અને બાળકોની હાજરી તથા મધ્યાહન ભોજન યોજનાની યોગ્ય અમલવારી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં સમયસર અનાજ મળે છે કે કેમ તે બાબતની ચકાસણી કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લામાં 48 અધિકારીઓના એસી ચેમ્બર છોડીને ગામડાઓમાં ધામા

અલગ અલગ બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ

ગામડાઓમાં મુલાકાત દરમિયાન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધા અને પડતી મુશ્કેલીઓ, વિધવા પેન્શન સહિતની યોજનાઓની અમલવારી, ગૌશાળાઓમાં ગૌવંશના નિભાવ અંગેની વ્યવસ્થા તથા સાફ-સફાઈ અને ઉપલબ્ધ સુવિધાઓ તથા તેને સંલગ્ન ગૌમાતા પોષણ યોજનાની અમલવારી, મોડલ ફાર્મની મુલાકાત સહિતની બાબતોનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.