Monday - Sep 28, 2026

ટંકારાના લજાઈ ગામે કુરિયર ડિલિવરીના નામેં રૂ. 4.42 લાખની ઓનલાઈન છેતરપિંડી

ટંકારાના લજાઈ ગામે કુરિયર ડિલિવરીના નામેં રૂ. 4.42 લાખની ઓનલાઈન છેતરપિંડી

5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ બેંક ખાતામાંથી RTGS-IMPS મારફતે રકમ ઉપાડી લેવાઈ

મોરબી : આજના સમયમાં કુરિયર ડિલિવરી સહિતની સામાન્ય જરૂરિયાતોને લઈને પણ ઓનલાઈન છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. જેમાં વધુ એક બનાવમાં ટંકારા તાલુકાના લજાઈ ગામે કુરિયરની ડિલિવરી નહીં મળતાં કસ્ટમર કેરનો નંબર શોધી સંપર્ક કરવો એક યુવાનને ભારે પડ્યો હતો અને તેની સાથે કુરિયર ડિલિવરીના બહાને 4.42 લાખની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

લજાઈ ગામે આંગણવાડીની બાજુમાં રહેતા પરસોતમભાઈ વશરામભાઈ મકવાણા (ઉ.વ.46)એ ગાંધીધામથી ડીટીડીસી કુરિયર મારફતે યુપીએસ મંગાવ્યું હતું. જોકે 10 દિવસ સુધી ડિલિવરી ન મળતાં તેમણે ગૂગલ પરથી ડીટીડીસી કુરિયરનો કસ્ટમર કેર નંબર મેળવી સંપર્ક કર્યો હતો. આ દરમિયાન કથિત કસ્ટમર કેર તરફથી આપવામાં આવેલી લિંકમાં પરસોતમભાઈએ પોતાનું એડ્રેસ અને પિનકોડ સબમિટ કર્યા હતા. ત્યારબાદ રૂ.5નું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવવામાં આવ્યું હતું. આ ટ્રાન્જેક્શન બાદ તેમના બેંક ખાતામાંથી RTGS અને IMPS મારફતે કુલ રૂ.4,42,005 અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. બાદમાં રકમ પરત નહીં મળતાં પરસોતમભાઈએ ટંકારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોબાઈલ નંબર તથા જે બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર થઈ છે તેની વિગતોના આધારે અજાણ્યા આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.