ટંકારા : ટંકારાની લજાઈ ચોકડીએ કારખાનામાં કામ કરતા બે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામાં એક શ્રમિકે બીજા શ્રમિકને હુકના ઘા મારી દેતા ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ સારવારમાં દમ તોડી દેતા મારામારીનો આ બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે રાજકોટ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામની ચોકડી નજી આવેલ દેવ પોલીપેક કારખાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પીન્ટુ વર્માને કારખાનામાં સાથી કર્મચારી સાથે ઝઘડો થયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાં સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ પોલીસે સીસીટીવી ચકાસતા દેવ પોલી ટેક કારખાનામાં પીન્ટુ રાત્રીના સમયે અંગદના રૂમ પાસે જાય છે, જ્યાં ઝઘડો થતા દોરા પોરવવાના હુકના ઘા મારતા પીન્ટુ લોહી લુહાણ થઈ જાય છે. શકમંદ અંગદ પણ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે અને હાલમાં પોલીસે રાઉન્ડ-અપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ગત તા.27ના રોજ રાત્રીના સમયે મૃતક પિન્ટુ વર્મા કારખાનામા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં સારવાર દરમ્યાન તા.30/10ના રોજ રાત્રે દમ તોડી દેતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો.મૃતક પીન્ટુ છેલ્લા 7-8 મહિનાથી દેવ પોલી ટેકમાં કામ કરતો અને ત્યાં જ રહેતો. જયારે શકમંદ અંગદ પણ મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. તે હજુ 10 દિવસ પહેલા દેવ પોલી ટેકમાં કામે આવ્યો હોવાનું અને કારખાનાની રૂમમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.