Tuesday - Jul 07, 2026

મોરબીમાં નિદ્રાધીન યુવાન ઉપર કાળમુખા ડમ્પર ફળી વળતા મોત, જાંબુડિયા નજીક લોડર હડફેટે યુવકનું મોત

મોરબીમાં નિદ્રાધીન યુવાન ઉપર કાળમુખા ડમ્પર ફળી વળતા મોત, જાંબુડિયા નજીક લોડર હડફેટે યુવકનું મોત

મોરબી : મોરબી તાલુકામાં અકસ્માતના બે અલગ અલગ બનાવમાં પીપળીયા - ફગાસીયા રોડ પર ડમ્પર ચાલકે રોડની સાઈડમાં સુતેલા યુવકને કચડી નાખતા યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બીજા બનાવમાં જાંબુડિયા નજીક ફેકટરીમાં લોડર ચાલકે યુવકને હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હોય બન્ને કેસમાં ફરિયાદ નોધવામાં આવી હતી.

મોરબી તાલુકાના પીપળીયાથી ફગાસીયા જવાના રસ્તે શ્યામ માઇક્રોન કારખાના પાસે રોડ પર સુતેલા મોહનભાઇ હાનાભાઈ પરમાર રહે.હાલ ખાખરાળા મૂળ રહે.મધ્યપ્રદેશ વાળાઓને જીજે - 36 - એક્સ - 8924નંબરના ડમ્પર ચાલકે કચડી નાખી શરીર પર ડમ્પર ચડાવી દેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પત્ની રેખાબેને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.જ્યારે બીજા બનાવમાં જાંબુડિયા ગામે આવેલ ક્લેરોક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની નારાયણસિંહ પાનસિંહ ભીલ ઉ.20 વાળા માટી ખાતામાં કામ કરતા હતા ત્યારે લોડર નંબર જીજે - 36 - એસ - 3026 નંબરના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા નારાયણસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા પાનસિંહ ગણેશભાઈ ભીલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.