લોકસભાની ચૂંટણી સમયે મહાત્મા ગાંધી અને વડાપ્રધાન મોદીના ગુજરાતમાં એક બાજુ કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમાજ અને બીજી તરફ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કઈ દિશામાં પહોંચશે ?
મોરબી : લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે ઉમેદવારો અને નેતાઓ કંઈપણ સમજ્યા વગર જાહેર મંચ ઉપર વગર વિચાર્યે કોઈ સમાજ કે મોટા સમુદાય વિશે બફાટ કરે એટલે જે તે સમાજનો આક્રોશ સાતમા આસમાને પહોંચી જાય છે. લોકસભાની ચૂંટણી સમયે મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન મોદીના ગુજરાતમાં બટક બોલા નેતાઓની જીબ લપસી જવાથી પરિસ્થિતિ એ હદે આવીને ઉભી રહી છે કે ગુજરાતનું વર્તમાન રાજકીય વાતાવરણ આગ ઝરતી ગરમી વચ્ચે એકદમ તંગ થઈ ગયું છે. ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે એવા સ્ટેજ પણ આવી પહોંચતા આ પરિસ્થિતિ ખરેખર ઘટનાક્રમ મુજબ ગરમ થઇ ગઇ કે આની પાછળ કોઈ રાજકીય સ્ટંટ જવાબદાર છે ?
મોરબીના પાટીદાર સમાજ વિશે પોતાની જાતને ફાયર બ્રાન્ડ નેતા ગણાવતા કાજલબેન હિન્દુસ્તાનીએ તાજેતરમાં સુરત ખાતે એક કાર્યક્રમ પાટીદાર સમાજને ટાર્ગેટ કરવા જાણી જોઈને ઉશ્કેરણીજનક ભાષણ આપીને ઉબાડીયુ કર્યું કે, આ ટોપિક આટલો બધો રાજકીય ઈશ્યુ થઈ જાય એવા ઈરાદો ન હતો ? મોરબીની પાટીદાર સમાજની દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર પાટીદાર સમાજ આકરા પાણીએ થઈને ઠેરઠેર આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન કરવા છતાં આ બહેનજી પોતાના નિવેદન ઉપર અડગ જ રહેતા તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરતા મોરબીના પાટીદાર સમાજના લોકો સાથે અગ્રણી મનોજભાઈ પનારાએ મોરબી કોર્ટમાં એ બહેનજી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કર્યો છે અને કોર્ટ સમક્ષ પાટીદાર સમાજની લાગણી દુભાઈ એવું ભાષણ આપનાર કાજલબેન સામે કાર્યવાહી કરવા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ તો એક વિવાદની વાત થઈ, બીજો વિવાદ એ છે કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ અગાઉ રાજપૂત સમાજની લાગણી દુભાઈ એવી હલકી કક્ષાની ટિપ્પણી કરી હતી. જેને કારણે આ નેતાએ એકવાર નહિ પણ બે વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ પોતાનું નત મસ્તક ઉંચુ રાખીને કોઈ કાળે રૂપાલાને બક્ષવા તૈયાર જ નથી. મોરબી જિલ્લાના કરણી સેનાના હોદેદારોએ ખૂબ આકરા પાણીએ વીડિયો બનાવીને રૂપાલાને લલકાર્યા છે અને મોરબી જિલ્લા તેમજ ટંકારામાં સભા કરી જુઓ તેમ કહીને જો સભા કરો તો જોવા જેવી થશે તેવો પડકાર ફેંક્યો છે. રૂપાલા કહે છે કે, હું આવેશમાં ન બોલવાનું બોલી ગયો એનુ મને દુઃખ છે. એટલે મેં બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી છે. એટલે તેઓ પોતાના તરફથી તો કોઈ ઈશ્યુ ન હોય હવે પાર્ટી જે નિર્ણય લે તે વધાવી લેવાનું કહ્યું હતું. જ્યારે ક્ષત્રિય સમાજ પોતાની વંશ પરંપરાગત સામી છાતીએ પોતાનું સ્વમાન અને ગૌરવ તેમજ ખમીર જાળવી રાખવા માટે જાન ન્યોછાવર કરતા પણ અચકાતા નથી. આથી આ સમાજની એક જ માંગ છે કે, અમારી આબરૂને સરેઆમ લીલામ કરનાર રૂપાલાની ટિકિટ રદ કરીને બીજા કોઈ સારા નેતાને ટિકિટ આપો તેવી ભાજપ સમક્ષ માંગ કરી છે. નહિતર ચૂંટણીમાં આના પરિણામો ગંભીર આવશે તેવું પણ જણાવેલ છે.