મોટી દુર્ઘટના બને તે પહેલાં પુલની મરામત કરવાની કાર્યપાલ ઈજનેરને રજુઆત
મોરબી : મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં જામનગર - કચ્છ હાઇવે મચ્છુ નદી ઉપર આવેલ પુલ જર્જરિત હાલતમાં હોવાની સાથે પુલમાં પાણીનો ભરાવો થતો હોય આ પુલ જોખમી બનવાથી હાલ ચોમાસામાં ભારે વરસાદમાં ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની ભીતિ છે.આથી આ પુલની તાત્કાલિક ધોરણે મરામત કરવા માટે મોરબી માર્ગ મકાન વિભાગના કાર્યપાલ ઈજનેર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં જામનગર - કચ્છ હાઇવે મચ્છુ નદી ઉપરથી અસંખ્ય લોકો પોતાના નાના - મોટા વાહનો સાથે પસાર થાય છે. હાલમાં આ પુલ જર્જરિત હાલતમાં છે. વરસાદના કારણે આ પુલ ઉપર પાણીનો ભરાવો થાય છે. તેમજ અતિવૃષ્ટીના કારણે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે પુલ નીચેથી ભારી માત્રામાં પાણીનો પ્રવાહ વહેતો હોય છે. આ પાણીનો પ્રવાહ જોતાની સાથે જ પુલનું પાણીમાં ધોવાણ થવાની દહેશત છે. આ પુલ ઉપરથી નીકળવું તે તલવારની ધાર પર ચાલવા બરાબર છે. આ પુલ ઉપર ભવિષ્યમાં આણંદ - વડોદરાને જોડતા ગંભીર બ્રિજ જેવી દુર્ઘટના ન ઘટે તે માટે તાત્કાલિક ધોરણે આ પુલની સ્થિતિનું નિરીક્ષણ કરી પુલની મરામત કરવા ઘટિત કાર્યવાહી કરવાની મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા માંગ કરવામાં આવી છે.