પ્રાંત અધિકારીએ જાણ કરતા જ કંપનીના દિલુભા જાડેજાએ આપાતકાલીન સ્થિતિમાં પળનો વિલંબ કર્યા વગર અસરગ્રસ્તોની તમામ રીતે મદદ કરવા જરૂરી સામગ્રીની તાત્કાલિક વ્યવસ્થા કરી, અસરગ્રસ્ત વિસ્તારો માટે પોતાના વાહન મારફતે જરૂરી ભોજન, પાણી સહિતની સામગ્રી રવાના કરાવી
(અશ્વિન રાઠોડ સ્વંયભુ) : મોરબી જિલ્લામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા ખાસ કરીને માળિયા (મીં.) પંથકના અનેક વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. મુશ્કેલીના આ સમયમાં લોકોને ભોજનની સાથે પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર સાથે અસરગ્રસ્તોની મદદ માટે જયદીપ એન્ડ કંપની દ્વારા તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી હતી.
પ્રાંત અધિકારી દ્વારા મોરબી-માળિયા (મીં.)-વવાણીયા સ્થિત જયદીપ એન્ડ કંપનીના સંચાલક દિલુભા જાડેજાને અસરગ્રસ્તોની સ્થિતિ અંગે જાણ કરવામાં આવતાં તેમણે વિલંબ કર્યા વગર માળિયા, મોરબી અને મકનસરના અસરગ્રસ્તો માટે પૂરતા પ્રમાણમાં ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા હતા. સાથે પીવાના પાણીની બોટલોના કેરેટ્સની વ્યવસ્થા કરી પોતાના વાહન મારફતે જરૂરી સામગ્રી અસરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના કરાવી હતી.
1998ના વાવાઝોડાથી અત્યાર સુધી સેવાકાર્યની પરંપરા
જયદીપ એન્ડ કંપનીના પરિવારનો આપત્તિના સમયમાં સહાય કરવાનો સિલસિલો અગાઉથી રહ્યો છે. ‘રામ તારી માયા’ તરીકે ઓળખાતા ઉદયસિંહભાઈ મનુભાભાઈ જાડેજાના પરિવારે 1998ના વાવાઝોડા દરમિયાન બેઘર અને નિઃસહાય બનેલા સેંકડો પરિવારો માટે વવાણીયા ગામે મહિનાઓ સુધી નિઃશુલ્ક ભોજનાલય ચલાવ્યું હતું. આ ઉપરાંત તે સમયે અનેક પ્રકારના સેવાકાર્યો પણ કરવામાં આવ્યા હતા.
ભૂકંપના સમયે માળિયા તાલુકાના વિવિધ ગામોમાં પણ પરિવાર દ્વારા અનેક સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વવાણીયા, બગસરા અને ન્યૂ નવલખી વિસ્તારમાં ટાટા રિલીફને જાણ કરી 750 મકાનો ઉપરાંત શાળાઓ અને PHC બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે ટાટા રિલીફ દ્વારા આ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
2017ના પૂર વખતે પણ બચાવ કામગીરીમાં જોડાયા
વર્ષ 2017માં વાંકાનેર, ચોટીલા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ મચ્છુ-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના પરિણામે મોરબીના છેવાડાના વિસ્તારો તથા માળિયા (મીં.) તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળતાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી અને હેલિકોપ્ટરની મદદ લેવાની જરૂર પડી હતી.
તે સમયે દિલુભા જાડેજા દ્વારા નવલખીથી ફિશરમેનની હોડીઓ ટ્રક-ટ્રેલરમાં ક્રેનની મદદથી મંગાવવામાં આવી હતી. આ હોડીઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ સહિતની જરૂરી વ્યવસ્થા પણ પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
પેઢી દર પેઢી સેવાભાવના સંસ્કાર
જયદીપ કંપનીના સ્થાપક ઉદયસિંહજીભાઈ જાડેજાના પુત્રો દિલુભા જાડેજા, જયુભા જાડેજા, અનિરુદ્ધભાઈ તેમજ સરળ અને શાંત સ્વભાવના અશ્વિનભાઈ સહિત સમગ્ર પરિવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. પિતા ઉદયસિંહભાઈ પાસેથી મળેલા સેવાભાવના સંસ્કારોને આગળ ધપાવતા પરિવારના સભ્યો દ્વારા કુદરતી આફત કે મુશ્કેલીના સમયમાં જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.