ટંકારા : ટંકારા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થતી 765 KV ની હેવી વીજ લાઇનના પ્રશ્ને ખેડૂતોને સંગઠિત કરવા અને માર્ગદર્શન આપવા માટે જબલપુર ગામે એક વિશાળ ચર્ચા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને કંપની સામે કાયદાકીય લડત આપવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી.
આ બેઠકમાં ટંકારા તાલુકાના જબલપુર, સરાયા, સાવળી, હીરાપર, ઓટાળા, ટંકારા, ટોળ, અમરાપર, હળબિટીયાળી અને કોઠારીયા ગામના ખેડૂત ભાઈઓ, સરપંચો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ લાઇનથી પ્રભાવિત તમામ ખેડૂતોને એક તાંતણે બાંધી અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હતો.
બેઠક દરમિયાન મહેશભાઈ રાજકોટિયાએ ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ટેલિગ્રાફ એક્ટ હેઠળ ખેડૂતોને નોટિસો આપી માત્ર તારીખો પર તારીખો આપવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્ર કંપની તરફી વલણ ધરાવે છે અને ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં વિલંબ કરી રહ્યું છે.
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર અને ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશભાઈ પટેલે ખેડૂતોને કાયદાકીય લડત વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે કંપનીની કાર્યપદ્ધતિ અને ખેડૂતોના કાયદેસરના હક્કો વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ તમામ ખેડૂતોને એકજૂથ થવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે જો ખેડૂતો સંગઠિત થશે તો જ કંપની દ્વારા થતું શોષણ અટકાવી શકાશે અને યોગ્ય ન્યાય મેળવી શકાશે. આ બેઠકના અંતે ખેડૂતોએ પોતાના હક્ક અને હિત માટે મક્કમતાથી લડત ચલાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.