Monday - May 11, 2026

મોરબીમા સિમેન્ટની 2200 થેલી બીન ઉપયોગી થઈ ગયાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ

મોરબીમા સિમેન્ટની 2200 થેલી બીન ઉપયોગી થઈ ગયાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ

મોરબી : મોરબીમાં પ્રજાના પૈસાનું પાણી નહિ પણ 'પાણા' થઈ રહ્યા હોવાનું ઉજાગર કરતું સિમેન્ટ પ્રકરણ સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે તપાસ માટે કમિટી બનાવી હતી. આ કમિટીના રિપોર્ટમાં સિમેન્ટની 2200 થેલીઓ નકામી બની ગઈ હોવાનો ધડાકો થયો છે. ઉપરાંત 5 અધિકારીઓ પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે.

મોરબી શહેરમાં જનભાગીદારીથી સોસાયટીઓમાં આરસીસી રસ્તા બનાવવાના પ્રોજેક્ટ બનાવવા માટે લાખોના ખર્ચે મંગાવાયેલ 400 બેગ સિમેન્ટ વાપર્યા વગર પડી રહેતા જામીને પથ્થર બની ગઈ હતી. જે ગાર્ડન વિભાગની બાજુમાં મેદાનમાં પડી હતી. ઉપરાંત લીલાપર ગામે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં પણ 300થી વધુ સિમેન્ટ જામી ગયેલી જોવા મળી હતી. આ પ્રકરણ ગાજતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી હતી.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ગત 14 ફેબ્રુઆરીએ સમિતિ બનાવી તપાસ સોંપવામાં આવી હતી. આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર ( પ્રોજેકટ) અને સિટી ઈજનેર સહિતના અધિકારીઓ હતા. કમિટીએ 26/05/2020થી 24/06/2020 સુધીમાં કેટલી સિમેન્ટની બોરીઓ બિનઉપયોગી હતી તેનું આંકલન કર્યું છે. 4900 જેટલી સિમેન્ટની બોરીઓ ખરીદવામાં આવી હતી. જેમાંથી 2700 બોરીનો વપરાશ થયો હતો. જ્યારે 2200 બોરીઓ પડતર રહી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તત્કાલીન ત્રણ મ્યુનિસિપલ એન્જીનીયર દર્શન જોશી, પિયુષ દેત્રોજા, ધીરુભાઈ સુરેલીયા અને 2 ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તથા જી.આર. સરૈયા પાસેથી 15 માર્ચ સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ યોગ્ય નહિ જણાય તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.