મોરબી : નવરાત્રી નિમિતે વર્ષોથી દૂર દૂરથી ચાલીને કચ્છમાં બિરાજમાન સાક્ષાત આશાપુરા માતાના મઢે જઈને દર્શન કરવાનું અનેરું મહત્વ છે. માઇ ભક્તો અનેક કષ્ટો વેઠીને માતાના દર્શને જતા જોવા મળે છે તો તેમની આવી અતૂટ ભક્તિ જોઈને દરેકને પગે ચાલીને માતાના મઢે જવાનું મન થઇ આવે છે. આવા જ એક માતાજીના ભક્ત કે જે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખરા બેલા ગામે રહેતા વનરાજસિંહ મેરુભા છેલ્લા 27 વર્ષથી દર નવરાત્રીએ આકરી પદયાત્રા કરે છે. જેમાં તેઓને આશાપુરા માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હોવાથી તેમની ભક્તિ કરવા માથે 9-9 ગરબા એક જ જોડમાં રાખે છે. આ ગરબામાં ઝવેરા હોય છે. સાથે સાથે માથે માતાજીની ધજા પણ ટીંગાડેલી હોય છે. આવી રીતે 9-9 ગરબા સાથે સાડા ત્રણ કિલો વજન માથે ઉપાડીને અંદાજે 350 કિમિ પદયાત્રા કરીને કચ્છ પહોંચી માતાના દરબારમાં શીશ ઝુકાવે છે. હવેની રોજની લાઈફ સ્ટાઇલ એટલે બધી બેઠાડુ થઈ ગઈ છે કે કોઈને બે કિમિ ચાલવું પણ ગમતું નથી. એવામાં સાડા ત્રણ કિલો વજન માથે ઉપાડીને અંદાજે 350 કિમિ પદયાત્રા કરવી કઠિન છે. એ પણ રસ્તામાં દરેક સેવા કેમ્પમાં ગરબે ઘૂમતા ઘૂમતા જાય છે. તેમને માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે કે માથેનો વજન હોવા છતાં ક્યારેય માથું દુખ્યું નથી. તેમજ શરીરે જરાય થાક લાગ્યો નથી. એટલું જ નહીં તેઓએ 70 વર્ષની ઉંમરમાં ક્યારેય દવા લીધી નથી. તેઓ 15 દિવસ અગાઉ ગરબામાં ઝવેરા વાવે છે અને તેમની સાથે શકત શનાળાના દશરથસિંહ પણ 27 વર્ષથી પદયાત્રામાં જોડાય છે. 70 વર્ષના આ શ્રધ્ધાળુની માતાજી પ્રત્યેની ભક્તિ અનન્ય છે.