PGVCLની આઠ સર્કલની ટીમો વચ્ચે ક્રિકેટ જંગ, સોમવારે ફાઈનલ મુકાબલો
મોરબી : મોરબી PGVCL સર્કલ ઓફિસ દ્વારા ઈન્ટર સર્કલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી નાની વાવડી ખાતે પ્રારંભ થયો છે. નાની વાવડી ખાતે આવેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તારીખ 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી આ ઈન્ટર સર્કલ વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલશે. જેમાં અમરેલી, અંજાર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ શહેર, પોરબંદર, ભૂજ અને મોરબીની ટીમો ભાગ લઈ રહી છે.
ભાવનગર PGVCL ટીમના વૈશાલીબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત વુમન્સ ક્રિકેટ અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે પીજીવીસીએલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે અહીં આવેલા 150 જેટલા મહિલા ખેલાડીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ટીમ અહીંયા ટીમ સ્પિરીટ અને અલગ જ જુસ્સા સાથે જીતવા અને કંઈક શીખવા આવ્યા છે.
મોરબી PGVCL વર્તુળ કચેરીના અધીક્ષક ઈજનેર ડી.આર. ઘાડીયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં 8 સર્કલની વુમન્સ ટીમો ભાગ લઈ રહી છે. આજે અને કાલે ત્રણ-ત્રણ મેચ યોજાશે અને ત્રીજા દિવસે ફાઈનલ મુકાબલો રમાશે. આજ રોજ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં મોરબીના અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જૂનાગઢ સર્કલના અધીક્ષક ઈજનેર એસ.એચ. રાઠોડ, આસિસ્ટન્ટ સેક્રેટરી કોમલબેન ડામોર, નાયબ ઈજનેર એન.આર. હુંબલ, મોરબી PGVCL સર્કલના કાર્યપાલક ઈજનેરો, નાયબ ઈજનેરો, તમામ કાર્યકર્તાઓ, આઠેય સર્કલની ટીમના ખેલાડીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘોષક તરીકે રવિન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા. મહિલાઓ રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટમાં નામ રોશન કરે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે