દારૂ ઢીચીને ગાડી ચલાવતા 7 ઝડપાયા, 11 વાહનો ડિટેઇન કરી 1 લાખથી વધુનો દંડ ફટકાર્યો
મોરબી : મોરબીના થર્ટી ફર્સ્ટના અનુસંધાને જિલ્લા પોલીસવડા સહિતની પોલીસ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારમાં ડે કોમ્બિન્ગ હાથ ધરી સઘન કાર્યવાહી હાથ ધરતા કોમ્બિન્ગ દરમિયાન કાળા કાચવાળી 58 ગાડીઓ ઝડપી લેવામાં આવી હતી.સાથે જ પોલીસ કોમ્બિન્ગ દરમિયાન દારૂ ઢીચીને વાહન ચલાવતા સાત પ્યાસી પણ ઝપટે ચડી ગયા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમભંગ સબબ એક લાખથી વધુનો દંડ પણ વસુલાયો હતો.
થર્ટી ફર્સ્ટની ઉજવણીના નામે કેટલાક નબીરાઓ છાકટા બની ભાન ભૂલી કાયદાનો ભંગ કરતા હોવાથી મોરબી જિલ્લા પોલીસવડા મુકેશકુમાર પટેલ ગઈકાલે જાતે મેદાનમાં ઉતર્યા હતા અને ડીવાયએસપી, 8આ પીઆઇ, 11 પીએસઆઇ અને 127 પોલીસ કર્મી સહિત કુલ 147 પોલીસ કર્મચારીઓ વિવિધ વિસ્તારમાં ડે કોમ્બિન્ગ હાથ ધરતા કોમ્બિન્ગ દરમિયાન 58 કાળા કાચ વાળી ગાડીઓ જોવા મળતા કાર્યવાહી કરી હતી.સાથે જ ફેન્સી નંબર પ્લેટના 37 કેસ કરી 11 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીટ બેલ્ટના 4, ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગના 2, તીક્ષ્ણ હથિયાર સાથેનો એક કેસ, દારૂ પી વાહન હંકારવાના 7 કેસ કરી ટ્રાફિક નિયમ ભંગ સબબ 1,00,600નો દંડ પણ વસુલ કર્યો હતો.