મોરબી : આજના સમયમાં સાયબર ગઠિયાઓ અવનવી લોભામણી સ્કીમ આપી છેતરપીંડી કરી રહ્યા છે તેવામાં મોરબીના વીમા એજન્ટ પણ આવી જ એક સાયબર ગેંગનો શિકાર બની ફાયદો મેળવવાને બદલે રૂ.27.57 લાખ ગુમાવી દેતા ઓનલાઈન ટાસ્ક પુરા કરવાનું કહેનાર પાંચ સાયબર ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ધર્મલાભ સોસાયટીમાં રહેતા અને ઇન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા નિરવકુમાર નરેશભાઈ કુકરવાડિયા ઉ.30 નામના યુવાને આરોપી પ્રિયા નંદાકુમાર, પ્રોમિલા દેવી, દેવેન્દ્ર, સંજય કપૂર અને અર્જુન પ્રસાદ નામના પાંચ શખ્સો વિરુદ્ધ તેમના મોબાઈલ નંબર અને સોશિયલ મીડિયા આઇડીની ઓળખ સાથે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ટેલિગ્રામ એપિલિકેશન મારફતે ઓનલાઈન ટાસ્ક પુરા કરી મોટો આર્થિક ફાયદો આપવાની લોભામણી, લલચામણી સ્કીમ આપી તા.24 નબેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન બેન્ક એકાઉન્ટ મારફતે રૂ.27.57 લાખ મેળવી લઈ બાદમાં તેમને રોકેલા નાણાં પરત નહિ કરતા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે પાંચેય વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.