જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં પાણીની સમસ્યાની કલેક્ટરે સમીક્ષા કરી
મોરબી : મોરબી જિલ્લામાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી કટોકટી સર્જાઈ છે.જિલ્લાના અનેક ગામોમાં અનિયમિત પાણી આવતું હોવાની બુમરાણ ઉઠી છે. ક્યાંક ક્યાંક 15 દિવસે પણ પાણી આવતું ન હોવાથી મહિલાઓને એક બેડા પાણી માટે કપરો સંઘર્ષ કરવો પડે છે. મોરબી શહેરમાં પણ મચ્છુ 2 ડેમના દરવાજાનું રીપેરીંગ કામ ચાલુ હોવાથી અનેક જગ્યાએ પાણી વિતરણમાં ખામી સર્જાઈ છે. આથી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકમાં પાણીની સમસ્યાની કલેક્ટરે સમીક્ષા કરી જિલ્લાના તમામ ગામોમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવાની સૂચના આપી છે.
મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાતામાં અને જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ પાણીની સમસ્યા ગંભીર બની હોય તેની પણ સમીક્ષા કરી ક્યાં ક્યાં પાણીની સમસ્યા છે તેની વિગતો જાણવા જે તે વિભાગને સૂચના આપી હતી.જિલ્લાના તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવે તથા ચોમાસા પૂર્વે રસ્તાઓ પરના ખાડા બુરી પેચવર્ક કરવામાં આવે તે સહિતના મુદ્દે પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા વિવિધ વિભાગોને સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા સંકલન સમિતિના વિવિધ પત્રકો તથા સ્વાગત પોર્ટલ અને પી.જી. પોર્ટલ પરની પેન્ડિંગ અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી.