પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ
વાંકાનેર : વાંકાનેર શહેરમા મેઈન બજારમાં મોચી શેરીમાં રહેતા યુવાને પાંચ વર્ષ પૂર્વે મકાનનો દસ્તાવેજ કરી આપી અઢી ટકા વ્યાજે નાણાં લીધા બાદ પાંચ વર્ષમાં 18 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હોવા છતાં વ્યાજખોરોએ મિલકત પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર મેઈન બજારમાં મોચી શેરીમાં રહેતા ફરિયાદી દુર્ગેશભાઈ મણિલાલ ચૌહાણ ઉ.41 નામના યુવાને આરોપી ઇમરાન ફારૂક છબીબી રહે.તાલુકા શાળા પાસે, વાંકાનેર, આરબ મહમદયુસુફ અબુબકર રહે.ચાવડી ચોક, વાંકાનેર, મહમદયુસુફની પત્ની અને આરોપી અજય ઉર્ફે ભોલો રમેશભાઈ માણેક રહે.રાજકોટ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2020મા આરોપી ઇમરાન અને આરબ પાસેથી 15 લાખ રોકડા અઢી ટકા વ્યાજે લઈ મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. બાદમાં નિયમિત વ્યાજ ચૂકવી રૂપિયા 18 લાખ આપી દેવા છતાં આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી મિલકત પડાવી લેતા વ્યાજખોરીના આ બનાવમાં અરજી બાદ પોલીસે તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.