ભારતમાં 70 ટકા ટાઇલ્સનું ઉત્પાદન કરતા અને વિશ્વમાં અનેક દેશોમાં ટાઇલ્સનો નિકાસ કરી વિશ્વ સ્તરે ચાઇનાને ટક્કર આપી વર્ષે દાહદે સરકારને કરોડોનું હૂંડિયામણ રળી આપતા મોરબીના સીરામીક ઉદ્યોગ પર ગત વર્ષે ભયાનક મંદીના ઓછાયા પડ્યા બાદ હજુ એ સ્થિતિમાં થોડો ફેર આવ્યો છે. ત્યારે કેન્દ્રમાં નવી સરકાર રચાઈ રહી હોય તે સરકાર પાસે મોરબીના સીરામીક ઉદ્યોગને ખાસ કરીને માલ નિકાસમાં રાહત લક્ષી નીતિઓ જાહેર તેવી અપેક્ષા છે. સીરામીક ઉદ્યોગના વિકાસ માટે જેટલો બેનિફિટ આપે એના કરતાં પણ અનેક ગણું સરકારને હૂંડિયામણ મળશે.
મોરબીના સીરામીક ઉદ્યોગકાર મુકેશભાઈ ઉઘરેજાએ જણાવ્યું હતું કે, ગયા 10 વર્ષમાં કેન્દ્રમાં રહેલી મોદી સરકારે સીરામીક ઉદ્યોગને સીધી અને આડકતરી રીતે ઘણો જ ફાયદો આપ્યો છે. ગયા 10 વર્ષમાં સરકારની કોઈપણ નીતિની ખરાબ અસર થઈ નથી. પણ વર્ષોની જેમ નેચરલ ગેસના ભાવ વધારા યથાવત રહ્યા હોય સાથે કેન્દ્રની મોદી સરકારે સીરામીક ઉદ્યોગને વખતોવખત ફાયદા કરાવ્યા છે. જેમાં ચાઇનનો માલ ભારતમાં આવે તો તેના પર ડ્યુટી એટલે એન્ટી ડંમ્પીગ ડ્યુટી અગાઉ ન હતી. પણ હવે મોદી સરકારે પહેલી ટર્મમાં ચાઇનાના માલ ઉપર એન્ટી ડંમ્પીગ ડ્યુટી નાખી છે અને સેકન્ડ ટાઈમ માટે બીજી ટર્મમાં મોદી સરકારે આ ડ્યુટીને રીન્યુ પણ કરી નાખી છે. જેથી ચાઇનાનો માલ આવતો જ બંધ થઈ ગયો છે. તેનો સીધો ફાયદો આ ઉદ્યોગને થયો છે. કારણ કે ચાઇનાનો માલ ન આવતા મોરબીના સીરામીક ઉધોગની ટાઇલ્સની ઘર આંગણે ભારતભરમાં મોટી ડિમાન્ડ નીકળી છે. ધર આંગણે સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે તે માટે મોદી સરકારના નિર્ણયથી સીરામીક ઉદ્યોગને સારો ફાયદો થયો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સીરામીક ઉધોગને કન્ટેનર ભાડામાંથી પણ મુક્તિ અપાવી છે. પહેલા સીરામીક એકમોને કંડલા ખાતે માલ મોકલવા માટે કન્ટેનરના તગડા ભાડા ચૂકવવા પડતા હતા પણ હવે કેન્દ્ર સરકારે મોરબીના રફાળેશ્વર નજીક કન્ટેનર ઝોન બનાવતા સીરામીક એકમોને ભાડાના ઝંઝટથી મુક્ત મળી છે. જ્યારે સીરામીકનો માલ સવાસો દેશમાં નિકાસ થાય છે. તેથી સરકાર આગામી પાંચ વર્ષમાં એક્સપોર્ટ માટે વધુ રાહત લક્ષી નીતિઓ જાહેર કરે તો બીજા અન્ય દેશોમાં પણ સીરામીકનો નિકાસ કરી શકાય. સવાસો સિવાયના બીજા દેશો સાથે ધંધાકીય સારા રિલેશન છે. એટલે આ દેશોમાં માલ નિકાસ કરવા માટે એક્સપોર્ટની પોલિસીમાં બેનિફિટ મળે તો મોરબી સીરામીક એક્સપોર્ટમાં ટોપ લેવલનું બની જાય એમ છે. સામે સરકારને પણ મોટું હૂંડિયામણ મળશે. એનાથી દેશનો વિકાસ પણ થઈ શકશે.જો કે ગઈ ટર્મમાં મોદી સરકારે હીરાસર આતર રાષ્ટ્રીય હવાઈ મથક આપ્યું એનાથી પણ સારો ફાયદો થયો છે. આ રીતે મોદી સરકારના લીધે આખા દેશની સાથે સીરામિકના પણ ઉજળા સંજોગો આવશે.