Monday - Sep 16, 2024

મોરબીમાં પાટીદાર સમાજમાં રાજાશાહી વખતથી શિક્ષણનો વ્યાપ વધેલો

મોરબીમાં પાટીદાર સમાજમાં રાજાશાહી વખતથી શિક્ષણનો વ્યાપ વધેલો

મોરબીનો પાટીદાર સમાજ સૌથી વધુ શિક્ષિત મનાય છે. એનું કારણ એ છે કે સમાજના દૂરદેશી મોભીઓએ રાજાશાહી વખતમાં જ કડવા પાટીદાર ભવનનો પાયો નાખ્યો હતો અને રાજશાહી વખતમાં પાટીદાર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો હતો. એથી અત્યારે પાટીદાર સમાજમાં શિક્ષણનો વ્યાપ ટોપ ઉપર છે. જેમાં રાજાશાહી વખતમાં પાટીદાર સમાજના દૂરદેશીઓએ રાજા પાસેથી જમીન લઈને વીસી હાઇસ્કુલ પાસે વીસીપરામાં કડવા પાટીદાર ભૂવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રાજાશાહી વખતમાં આ બિલ્ડીંગ બન્યું હોય આ સંસ્થા સૌથી જૂનામાં જૂની ગણાય છે. તે વખતે સમાજના દીકરા અને દીકરીઓ રહી શકે અને અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે આઝાદીના દાયકાઓ બાદ વિકાસની રફતાર તેજ બનતા અને પાટીદાર સમાજ વધુ સમૃદ્ધ બનતા આ સંસ્થાનું જોધપર ગામે સ્થળાંતર કરીને નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 1998ની સાલમાં રાજ્યમાં તે વખતની શંકરસિહની સરકાર પાસેથી 62 વિઘા તેમજ અન્ય જમીન મળીને કુલ 110 વિધા જમીનમાં જોધપર ખાતે પાટીદાર ભવન શૈક્ષણિક સંસ્થાનું વિશાળ અને સમૃદ્ધ કેમ્પસ બનાવવામાં આવ્યું હતું. એટલે રાજશાહી વખતમાં જે વીસીપરામાં જૂનું બિલ્ડીંગ હતું તેની ફેરબદલી મોરબીના જોધપર ગામે કરવામાં આવી હતી. જોધપર ખાતેના આ શૈક્ષણિક સંકુલમાં બાળકોને રહેવા તેમજ જમવાથી લઈને ટ્રાન્સપોર્ટેશનની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સમાજના બાળકો શિક્ષણ માટે ક્યાંય અગવડતા ન પડે તે માટેની બનતી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 

મોરબીમાં પાટીદાર સમાજમાં રાજાશાહી વખતથી શિક્ષણનો વ્યાપ વધેલો

ધો.6થી 12 સુધીનો અભ્યાસ એકદમ વિનામૂલ્યે

જોધપર ખાતેના પાટીદાર સમાજના આ બોર્ડીંગમાં ધો.6થી 8 સુધીની શાળા અને 9થી 12 ધોરણ સુધીની માધ્યમિક શાળા છે. ગ્રાન્ટેડ શાળા હોવાના કારણે તમામ સમાજના બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે.સાથેસાથે આ બોર્ડીંગમાં બી.કોમ, એમ.કોમ, બી.એસ.સી, એમ.એસ.સી, બી.એડ અને આર્કિટેક્ટ ઓફ ડિઝાઇનિંગ એમ છ કોલેજ આવેલી છે.

અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા

જોધપર ખાતેની સમાજની બોર્ડીંગમાં અત્યાર સુધીમાં 5 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચુક્યા છે અને સમાજમાં મોભાદાર સ્થાન ધરાવે છે. જો સમાજના વિદ્યાર્થીઓ બીજે ક્યાંય અભ્યાસ કરવા જાય તો કોલેજ કક્ષા સુધી લખલૂટ ખર્ચે થાય એમ છે. પણ આ સંસ્થામાં વિદ્યાર્થીઓને 50 ટકાથી વધુ રાહત આપવામાં આવે છે. એટલે એવું કહી શકીએ કે ખાનગી સંસ્થા કરતા આ સમાજની સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને લાખોનો ખર્ચ બચે છે અને  આર્થિક રીતે નબળા વર્ગને મોટો ફાયદો થાય છે.

દરેક સમાજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે

જોધપર ખાતેની સંસ્થા પાટીદારોની છે. પણ પાટીદાર સંસ્થા નાતજાતનો ભેદભાવ રાખતી નથી. કોઈ ઉચનીચ રાખવાને બદલે માટે શિક્ષણનો દરેક સમાજમાં કેમ વધુ વ્યાપ થાય તેવા સરાહનીય પ્રયાસો થાય છે. આ સંસ્થામાં તમામ જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે અને અઢારેય અઢાર વર્ણના વિદ્યાર્થીઓ કોઈ ભેદભાવ વગર શિક્ષણ મેળવી શકે છે.

ખાનગી સંસ્થા કરતા આ સંસ્થામાં 50 ટકા ફી ઓછી

ખાનગી શૈક્ષણિક સંસ્થામાં ફી નું ધોરણ ખૂબ જ ઉંચુ હોય છે. ખાનગી સંસ્થાઓમાં તો સામાન્ય વર્ગના બાળકો પણ ભણી ન શકે એવી તગડી ફી હોય છે. પણ આ સંસ્થામાં 50 ટકા ફીમાં રાહત આપવામાં આવે છે. શાળા ગ્રાન્ટેડ હોય એટલે ફી લેવાતી નથી. પણ કોલેજની ફી લેવામાં આવે છે. પણ ફિનું ધોરણ સામાન્ય વર્ગને પરવડે એવું રાખવામાં આવ્યું છે.આ સંસ્થામાં 20 ટ્રસ્ટીઓ છે. દાતાઓના સહયોગથી અવારનવાર ડેવલપમેન્ટના કામો થાય છે.

આગામી 50 સુધી પણ કાંકરી પણ ન ડગે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું

જોખપર ખાતે નવી સંસ્થા બની ત્યારે નોરબી શહેરમાં જૂની રહેલી સંસ્થાના ટ્રસ્ટીઓએ દિર્ઘદષ્ટિ કેળવી આવનારા 50 વર્ષમાં એક કાંકરી પણ ન ડગે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે કંઈપણ ન કરવું પડે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. 110 વિધા જમીનમાં ઉભેલા આ વિશાળ કેમ્પસને કદાચ કુદરતી આફતોમાં પણ કઈ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. જેના કારણે આજે 24 વર્ષે પણ બિલ્ડીંગના મૂળ ઢાચાને કશું જ થયું નથી.

50થી વધુ લોકોને રોજગારી

જોધપર ખાતે 110 વિધામાં પથરાયેલા આ કેમ્પસમાં 40 વિધામાં અલગ અલગ શાળા-કોલેજની બિલ્ડીંગો છે.બાકીની જગ્યા ખેતીલાયક છે. આ સંસ્થા 50થી વધુ વ્યક્તિઓને રોજગારી આપે છે. એટલે આ કડવા પાટીદાર વિધાર્થી ભવન એક રીતે સેવાકીય કાર્ય કરી રહી છે.

લખધીરજીએ જમીન ફાળવી અને શરૃઆતમાં 5 વિદ્યાર્થીઓ જ હતા

રાજવી કાળમાં બનેલી સંસ્થામાં રાજાશાહી દરમિયાન રાજવી લખધીરજી ઠાકોરે આ પાટીદાર સમાજને જગ્યા ફાળવી હતી. સંસ્થાનો રાજાશાહી વખતમાં પાયો નાખ્યો અને તે વખતે આ સંસ્થા શરૂ થઈ ત્યારે માટે પાંચ વિદ્યાર્થીઓ જ હતા. પણ નવી સંસ્થા બની ન હતી ત્યાં સુધીમાં તો હજારો વિદ્યાર્થીઓ ભણી ચુક્યા હતા. એટલે શરૂઆત ભલે ઓછાથી થઈ હોય પણ શિક્ષણનો વ્યાપ વધતા આ સંસ્થા ઘેઘુર વડલો બની ગઈ છે.