મોરબીના શક્ત શનાળા ગામે એક પાંખડીએ ધતીગ લીલા આચરી હતી. જેમાં એક પરિવારમા બીમારી નહિ આવે, દુઃખ દર્દ દૂર કરવા અને વ્યાપાર ધંધા બરાબર ચલાવવા માટે ધાર્મિકવિધિ કરવી પડશે કહીને શિશામાં ઉતાર્યા હતા. સોનાના દાગીના અને રોકડા રૂપિયા એક પોટલમાં મુકાવી સવા મહિના બાદ આ પોટલી ખોલવાનું કહ્યું હતું અને સવા મહિને પોટલી ખોલતા અંદરથી લોટ નીકળતા રૂપિયા 3.30 લાખના સોનાના દાગીના અને રોકડ લઈ જઈ ઢોંગી બાબાએ છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતા આ ઢોંગી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી નજીક શક્ત શનાળા ગામે બે મહિના પૂર્વે ભરતભાઈના પિતા નરસીભાઈ રીક્ષા ચલાવતા હોય ત્યારે તેઓ નિલેશગીરી ઉર્ફે નવીનગીરીના ઘેર ગાયની નિરણ ઉતારવા માટે ગયા હતા ત્યારે નરસીભાઈએ તેમના ઘરમાં બધા બહુ બીમાર રહેતા હોય નિરાકરણ કરવા કહ્યું હતું તેથી નિલેશગીરી ઉર્ફે નવીનગીરીએ ધાર્મિક વિધિ કરવાનું કહેતા નરસીભાઈએ પુત્ર ભરતભાઈને આ વાત કરતા ભરતભાઈએ વિધિ કરવાની હા પાડી હતી. આથી નિલેશગીરી ઉર્ફે નવીનગીરી ભરતભાઈના ઘેર જઈને કહ્યું હતું કે ધાર્મિકવિધિ માટે તમારા ઘરમા જે સોનુ અને રોકડ રકમ હોય તે મુકવા પડશે જેથી ભરતભાઇ અને તેમના પરિવારે અંધ વિશ્વાસમાં આવી અઢી તોલા વજનનો સોનાનો ચેઇન, સોનાના બે કાપ, સોનાની 6 બુટી, સોનાની બે વીંટી અને 50 હજાર રોકડા આપતા આરોપી નિલેશગીરીએ તમામ વસ્તુઓ કપડામાં પોટલું વાળી અંદર એક રૂમમાં વિધિ કરવાને બહાને લઈ જઈને છેતરપીંડી આચરી હતી.આ બનાવના સવા મહિના બાદ ઢોગી બાવાની ધતીગ લીલાનો પર્દાફાશ થયો હતો. જેમાં ઢોગી બાવાએ વિધિ પુરી કરી સવા મહિના પછી આ પોટલું ખોલવાનું કહી ઘરમાંથી બધી બીમારી જતી રહેશે તેમજ વેપારધંધા સારા ચાલશે કહી ચાલ્યો ગયો હતો. પરંતુ સવા મહિના બાદ ભરતભાઈના પરિવારે ઠગ નિલેશગીરી ઉર્ફે નવીનગીરી બાબાએ વાળેલું પોટલું ખોલતા પોટલામાંથી લોટ નીકળતા સનારીયા પરિવારને આસ્થાના નામે અંધ વિશ્વાસનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું હતું.ત્યારબાદ વારંવાર દાગીના અને રોકડ પરત માંગવા છત્તા ન આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા શનાળા ખાતે રહેતા ભરતભાઇ નરસીભાઈ સનારીયાએ ઢોગી બાવા નિલેશગીરી ઉર્ફે નવીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.રામજી મંદિર પાસે, શક્ત શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.