જીવનસાથી ડોટ કોમ વેબસાઈટ ઉપરથી પરિચયમાં આવેલ યુવાને લગ્ન કરવાને બદલે છેતરપીંડી કરતા ફરિયાદ નોંધાઇ
મોરબી : મૂળ મોરબીની વતની અને હાલમાં હૈદરાબાદ રહેતી યુવતી સાથે એક વર્ષ પૂર્વે મેટ્રોમોનીયલ જીવનસાથી વેબસાઈટ મારફતે પરિચયમાં આવેલ મુંબઈના શખ્સે લગ્નની લાલચ આપી આર્થિક ભીંસમાં હોવાનું જણાવી કટકે કટકે રૂપિયા 8.50 લાખ પડાવી લઈ ઠગાઈ કરતા બનાવ અંગે યુવતીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.
મૂળ મોરબીના રવાપર રોડ ઉપર વિવેકાનંદ નગરમાં રહેતા અને હાલમાં હૈદરાબાદ ખાતે રહેતા દીપ્તીબેન અભિષેકભાઈ ઠક્કર ઉ.વ.36 નામની યુવતીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં તેણીએ લગ્ન માટે મેટ્રોમોનીયલ વેબસાઈટ જીવનસાથી ડોટ કોમ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય આરોપી નિમેષ બાબુભાઇ ચોટલીયા રહે.વિલે પારલે મુંબઈ સાથે પરિચયમાં આવતા બન્ને એક બીજાને પસંદ આવતા મોબાઈલ નંબરની આપ લે કરી લગ્ન કરવા નક્કી કર્યું હતું. બાદમાં દીપ્તીબેને લગ્ન કરવાનું કહેતા આરોપી નિમેષ ગૂગલની આલ્ફાબેટ કંપનીમાં નોકરી કરતો હોય એક પ્રોજેકટમાં પેનલ્ટી ભરવી પડે તેમ હોય નાણાકીય ખેંચ હોવાથી બાદમાં લગ્ન કરશે તેમ જણાવી આર્થિક મદદ માંગતા દીપ્તીબેને પોતાના બેન્ક એકાઉન્ટ ઉપરાંત તેમના બે મિત્ર હાર્દિક પટેલ અને કમલ સોનીના બેન્ક એકાઉન્ટમાંથી આરોપી નિમેષને કટકે કટકે 8.50 લાખ ચૂકવ્યા હતા.બાદમાં આરોપીના મિત્ર ચેતન માથુરે પણ નિમેષ આર્થિક ભીંસમાં હોય મદદ માટે કહી તેના એકાઉન્ટમાં પૈસા મેળવ્યા હતા.
રૂપિયા 8.50 લાખ મેળવી લઈ ઠગાઈ કરનાર નિમેષ ચોટલીયાએ પોતાનો ફોન બંધ કરી દેતા ફરિયાદી દીપ્તીબેને તપાસ કરતા આરોપી મળી આવ્યો ન હતો. અને દીપ્તીબેનની જેમ જ અન્ય મહિલા સાથે પણ છેતરપિંડી કરી હોય મુંબઈમાં આરોપી નિમેષ વિરુદ્ધ ગુંન્હો નોંધાયો હોવાનું દીપ્તિબેનને જાણવા મળતા છેતરપિંડી મામલે તેમને નિમેષના પાસપોર્ટ, પૈસા ટ્રાન્સફર કર્યાના પુરાવા સાથે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.