ઘઉંની મબલખ આવક વચ્ચે ગત વર્ષ કરતા 50 રૂપિયાનો વધારાના વેપારીના દાવા સામે ઘઉંના ભાવમાં કઈ કાઢી લેવાનું નથી : ખેડૂતોનો બળાપો
મોરબી : મોરબી તાલુકામાં રવિ સિઝન પુરી થયા બાદ હવે ઉનાળુ વાવેતર શરૂ થઈ ગયું હોય પણ ખેતરમાં વાવેલા ઘઉં સહિતના પાકો તૈયાર થઈ ગયા હોય આ પાકોને ખેતરથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં બાચકા ભરીને ખેડૂતો બે દિવસથી મોરબીના માર્કેટ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. ખાસ કરીને હાલ ઘઉંની મોટી સિઝન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ઘઉં ઠાલવી દેતા ઘઉંના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોની એકબીજાથી વિપરીત પ્રતિક્રિયા સામે આવી છે.
મોરબીનું માર્કેટ યાર્ડ હોળી ધુળેટીના અવસર પર બંધ રહ્યા બાદ ગઈકાલથી ફરી માર્કેટ યાર્ડ શરૂ થતાં બે દિવસથી ઘઉંની પુષ્કળ આવક થઈ રહી છે. પણ ઘઉંના ભાવ મુદ્દે ભારે વિસંગતતા જોવા મળે છે. વેપારીનું કહેવું છે કે, માર્કેટ યાર્ડમાં ઢગલા મોઢે ઘઉંની આવક થતા મોટા પ્રમાણમાં ઢગલે ઢીંગણાની જેમ ઢગલા મોઢે ઘઉંના ઉંચા ઉંચા સોદા થઈ રહ્યા છે અને આ પાકની બે દિવસથી ભારે હરરાજી કરવામાં આવે છે. વેપારીઓ વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે ખેડૂતો માટે ઘઉંના સારા ભાવ છે. 450થી 650 જેટલો ઘઉંનો ઉંચો ભાવ હોય આ ભાવ ટેકાના ભાવ કરતા પણ સારા ભાવ એટલે ગત વખત કરતા 50 રૂપિયા વધ્યા હોય અને આવક સારી હોવાનો દાવો કર્યો છે. જ્યારે ખેડૂતોએ ઊંડો નિસાસો નાખતા કહ્યું કે, આ વખતે ઘઉંના ભાવ જરાય યોગ્ય નથી. ભાવમાં કાઈ લેવાનું નથી. વેપારીઓના સારા ભાવના દાવા ખોટા છે. ગયા વર્ષે રૂ. 550 ના ભાવે ઘઉંના સારા સોદા કર્યા હતા. પણ આ વખતે ઘઉંના ભાવ એટલી હદે નીચે ગગડી ગયા છે કે, આજે ખોટ ખાઈને રૂ.475ના ભાવે ઘઉં વેચવા મજબૂર થવું પડ્યું છે. એટલે મજૂરોને મહેનતાણું તેમજ ખાતર, બિયારણ સહિતના ખર્ચને પહોંચી વળવા માટે કમસેકમ 600 રૂપિયા ભાવ હોવા જ જોઈએ. તો ખેડૂતો રાહત રૂપી ફાયદો થાય એમ છે. એટલે વેપારીઓ પોતાના નફા નુકસાનને જોઈને ખોટા આંકડા બતાવે છે. બાકી તો ખેડૂતોને ખૂબ ઓછા ભાવ મળતા ભારે કચવાટ ફેલાયો હતો. તેમજ આખા વર્ષના પરિવાર માટે ખરીદી કરવા આવેલા અનેક લોકોએ કહ્યું હતું કે, ભાવ તો ખેડૂતો પરવડતા હોવા જોઈએ સામે પક્ષે લોકોને પણ ભાવ પોસાય એવા હોવા જોઈએ, જો ભાવ યોગ્ય હોય અને સામે સારી ક્વોલિટી વાળા ઘઉં હોય તો ઘઉંની ખરીદી સારા પ્રમાણમાં થાય છે.