Saturday - May 16, 2026

હળવદમાં સાધુના વેશમાં ખેડૂત પાસેથી લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઇ

હળવદમાં સાધુના વેશમાં ખેડૂત પાસેથી લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઇ

એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે વાંકાનેરના બન્ને વાદી શખ્સોને પકડી લીધા, મુદ્દામાલ પણ રિકવર કરી લેવાયો, બન્ને શખ્સો સાધુના વેશમાં લોકોને લૂંટતા હોવાનું ખુલ્યું

હળવદ : હળવદ યાર્ડમાં તલ વેચી તેના રૂ.1.22 લાખ લઈને પરત ફરી રહેલા ખેડૂતને લૂંટી લેનાર સાધુના વેશમાં કાર લઈને આવેલા બે શખ્સોને એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઈ તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હળવદમાં સાધુના વેશમાં ખેડૂત પાસેથી લૂંટ ચલાવનાર બેલડી ઝડપાઇ

ગત તા.3ના રોજ બપોરના સમયે ધ્રાંગધ્રાના જીવા ગામના ખેડૂત પોતાની ખેતીની ઉપજના રૂપિયા હળવદથી લઈ બાઇક પર ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે ઢવાણા ગામના પાટીયા પાસે એક સ્વીફ્ટકારમાં એક શખ્સ સાધુ વેશમાં બેઠો હતો અને બીજો શખ્સ કાર ચલાવતો હતો. તેને બાઇક રોકાવી મંદિર બાબતે પુછી ખેડૂતને કહ્યું હતું કે તમે ભાગ્યશાળી છો તમને આવા સાધુના દર્શન થયેલ છે. સાધુને પગે લાગી લ્યો. ખેડૂત પગે લાગતા બન્ને શખ્સોએ મળી ઉપજના તથા પાકિટમાં રહેલા રૂ.1.22 લાખ બળજબરીથી જુટવી ભાગી ગયા હતા. આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

આ ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી / પેરોલ ફર્લો સ્ક્વોડ પણ જહેમત ઉઠાવી રહી હતી. આ દરમિયાન બાતમી મળેલ કે સાધુ જેવો માણસ તથા એક કાર ચાલક બંન્ને પાસેની કાર હતી તે ગ્રે કલરની સ્વીફ્ટ કાર છે. અને તે બંન્ને માણસો વાંકાનેર ભોજપરા વિસ્તારના વાદી છે જેમાં એકનું નામ ધારુનાથ તથા બીજાનું નામ બહાદુરનાથ છે તે બંન્ને કાર તથા રોકડા રૂપિયા સાથે હાલમાં રાતાભેરથી માથક જવાના રસ્તા ઉપર છે. જેના આધારે એલસીબીએ સ્થળે જઈ સ્વીફ્ટ કાર રજી.નં.GJ-36AJ 6957 વાળી કિંમત રૂ. 4 લાખ અને રોકડા રૂ.1.20 લાખ મળી કુલ રૂ.5.20 લાખના મુદ્દામાલ સાથે બહાદુરનાથ સુરમનાથ અટક પરમાર ઉ.વ.૩૦ રહે. ભોજપરા વાદીપરા વાંકાનેર અને ધારુનાથ જવેરીનાથ અટક સોલંકી ઉ.વ.૩૫ રહે. ભોજપરા વાદીપરા વાંકાનેરવાળાને પકડી લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલ આરોપીઓ વાદી હોય જેથી સાધુવેશના કપડા પહેરી પોતે આમ માણસોને વાતોમાં ઉલજાવી રાખી તેનુ ધ્યાન કેન્દ્રીત કરી રોકડા રૂપિયા બળજબરીથી કઢાવી લેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. આરોપી બહારુદરનાથ સામે વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ મથકે 6 ગુના તથા ધારૂનાથ સામે ધોરાજી અને જામજોધપુર પોલીસ મથકે એક-એક ગુના નોંધાયેલ છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર અને એલસીબી પીએસઆઈ બી.ડી. ભટ્ટ સહિતના રોકાયેલ હતા.