Friday - Jul 03, 2026

હળવદ જમીન કૌભાંડમાં નકલી હુકમમાં અસલી સિક્કા મારવાના આરોપસર બે પટ્ટાવાળા ઝડપાયા

હળવદ જમીન કૌભાંડમાં નકલી હુકમમાં અસલી સિક્કા મારવાના આરોપસર બે પટ્ટાવાળા ઝડપાયા

મુખ્ય સૂત્રધાર આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસે બે આરોપીની સંડોવણીની વિગતો ઑકાવી

હળવદ : હળવદ તાલુકામાં નકલી હુકમને આધારે સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ આરોપીના રિમાન્ડ સ્ફોટક કબૂલાત આપતા સમગ્ર પ્રકરણમાં નકલી હુકમોમાં અસલી સરકારી સિક્કા મારનાર ધ્રાંગધ્રા મામલતદાર કચેરીના બે પટ્ટાવાળાની હળવદ પોલીસે ધરપકડ કરી છે.

હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની કરોડોની કિંમતી 300 વિઘાથી વધુ સરકારી જમીન નકલી હુકમને આધારે હડપ કરી જવા મામલે હળવદ મામલતદારે 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે અગાઉ ચાર આરોપીઓ બાદ બે દિવસ પૂર્વે કૌભાંડના માસ્ટરમાઇન્ડ એવા આરોપી રમેશ બાબાભાઈ સાકરીયાની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
 

હળવદ જમીન કૌભાંડમાં નકલી હુકમમાં અસલી સિક્કા મારવાના આરોપસર બે પટ્ટાવાળા ઝડપાયા

મુખ્ય સૂત્રધાર આરોપી રમેશ સાકરીયાની પૂછતાછમાં સમગ્ર કાવતરામાં એક સરખા નંબર અને વર્ષ દર્શાવતા બનાવટી હુકમો બનાવીને રજૂ કર્યા હતા આ તમામ હુકમોની નોંધ પણ પડાવી હતી. જેમા તલાટી મંત્રી અને અલગ અલગ અધિકારીઓએ ભેગા થઈને રેવન્યૂ રેકર્ડમાં નોંધ કરતી વખતે દસ્તાવેજની ખરાઈ કર્યા વગર નોંધ પાડી હોવાનું આરોપીની પુછપરછમાં સામે આવ્યું છે. સાથે જ આ કૌભાંડમાં ધ્રાંગધ્રા મામલતદાર કચેરીના પટ્ટાવાળા એવા આરોપી ગોવિંદભાઈ પોપટભાઈ કુરિયા રહે.રાજપર તા.ધ્રાંગધ્રા અને આરોપી મનસુખભાઇ માધાભાઈ કાંટીયાએ તમામ હુકમોમાં અસલી સિક્કા મારી આપ્યા હોવાનું કબુલતા બન્નેની ધરપકડ કરી હોવાનું હળવદ પોલીસે જાહેર કર્યું હતું.