બોલરો કારને કાઢવા આવેલી ક્રેઇન પણ ખુંપી જતા બીજી ક્રેઇન મંગાવી પડી, ભૂગર્ભ ગટર બાદ રોડની કામગીરી ન કરાતાં વરસાદથી માટી પોચી થવાથી માલ પરિવહન ઠપ્પ થવાથી લઘુ ઉધોગકારો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
(ગ્રાઉન્ડ રિપોર્ટ-ભાસ્કર ટીમ): મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા અને ટેક્સ ભરવામાં અગ્રેસર છતાં વર્ષીથી તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બનેલા મોરબીના લાતીપ્લોટની આજે પ્રથમ વરસાદમાં ભયાનક દુર્દશા થઈ ગઈ છે. નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી કોઈપણ જાતની સુવિધાઓ આપવામાં આવી ન હતી. ત્યારે હવે મનપા આવવા છતાં લાતીપ્લોટની ઘોર દુર્દશામાં કોઈ ફરક પડ્યો નથી. લાતીપ્લોટમાં કાયમ વરસાદી પાણીના નિકાલના અભાવનો સળગતો પ્રશ્ન છે. તેથી દર વર્ષે લાતીપ્લોટની સામાન્ય વરસાદમાં પણ ખરાબ હાલત થઈ જાય છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ હોય એમ ગતરાત્રીથી આજ દિવસ દરમિયાન સતત વરસાદ પડતાં લાતીપ્લોટમાં ભારે પાણી ભરાયા હતા. એ સાથે જ લઘુ ઉધોગકારો અને વેપારીઓની આકરી કસોટી થઈ છે.
12થી વધુ શેરીઓમાં પથરાયેલા લાતીપ્લોટની દરેક શેરીઓમાં વરસાદી પાણી ભરાવવાની અને ગારા કીચડની સમસ્યા સર્જાય છે. આથી લઘુ ઉધોગકારો અને વેપારીઓના બહારથી વાહનોનું આવાગમન અટકી ગયું છે. જેમાં ખાસ કરીને લાતીપ્લોટ શેરી નંબર -2ની હાલત કપરી થઈ ગઈ છે. જેમાં તંત્રએ આ શેરીમાં ભુર્ગભ ગટર નાખવાની કામગીરી કરી હતી.પરંતુ રોડની કામગીરી કરી ન હતી. માત્ર આ શેરીમાં માટી નાખી દીધો હતી અને ખાડા કરીને જેમની તેમ છોડી દેવાયા હતા. પરિણામેં આજે વરસાદમાં લઘુ ઉધોગકારો અને વેપારીઓ ઉપર આફત ઉતરી હતી. જેમાં વરસાદથી રોડ ઉપરની માટી પોચી થઈ ગઈ હતી. આથી સવારથી જ વાહનો ખુંપી જવાનું શરૂ થયું હતું. જેમાં પહેલા સવારે સ્કૂલે જતું એક વિદ્યાર્થીઓ ભરેલું વાહન ફસાતા સ્થાનિક લોકોએ તુરત જ એ વાહનને બહાર કાઢી લીધું હતું. બાદમાં એક આઇસર, બે બોલેરો કાર, કાર તેમજ અસંખ્ય ટુવહીરો પોચી થયેલી માટીમાં ખુંપી ગયા હતા. જો કે બોલેરો ખુંપી ગયા બાદ તેને કાઢવા ક્રેઇન મંગાવી હતી. એ ક્રેઇન પણ ફસાઈ જતા બીજી ક્રેઇન મંગાવી પડી હતી. અમુક કારખાનાઓમાં પણ પાણી ઘુસી ગયા હતા. માટીમાં અનેક વાહનો ખુંપી જતા માલના વાહનો અવરજવર કરી શકે એમ ન હોવાથી આજે લઘુ ઉધોગકારો અને વેપારીઓના વેપાર ધંધાને માઠી અસર પહોંચી હતી.
ટેક્સ ન ભરીએ તો પણ સુવિધા આપતા નથી
લાતીપ્લોટના 1/2માં દુકાન ધરાવતા વેપારી નયનભાઈ કોટેચા કહે છે કે, તેમની શેરીના રોડની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે,વાહન તો ઠીક ચાલીને પણ નીકળી શકાતું નથી. હજુ તો આ પહેલો વરસાદ છે.પ્રથમ વરસાદમાં જ આવી ભયાનક હાલત થઈ હોય તો આગળ કેવી પરિસ્થિતિ થશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. જો કે તંત્ર ટેક્સ લેવામાં ક્યારેય પાછીપાની કરતું નથી અને મોડું થાય તો વ્યાજ પણ વસુલ છે. એની સામે સમ ખાવા પૂરતી પણ સુવિધા આપતું નથી.
વહેલીતકે રોડ પરના મસમોટા ગાબડા બુરવા જોઈએ
લાતીપ્લોટમાં ટ્રાન્સપોર્ટમાં ગાડી અનલોડીગ કરવા આવેલા ટ્રક ડ્રાઈવર સંજયભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, આજે લાતીપ્લોટ-2માં વરસાદી પાણી ભરેલા હોય અને માટી પોચી તેમજ ઠેરઠેર માર્ગો ઉપર ખાડા પડેલા હોવાથી તેમની ગાડી ફસાઈ ગઈ હતી. ભારે જહેમતથી ગાડી બહાર નીકળી ગઈ હતી. ખાડાઓને કારણે તેમના જેવા બહારથી વાહનોમાં માલની ડિલિવરી લઈને આવતા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે અને વાહનો ફસાઈ જાય છે. ખાડાઓથી વાહનોને નુકસાન થતું હોવાથી વહેલી તકે આ ખાડા યોગ્ય રીતે બુરવા જોઈએ.
ચોમાસાના ચાર મહિનામાં ધંધા પર માઠી અસર
લાતીપ્લોટના વેપારી મનુભાઈ દેવચંદભાઈ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહે છે કે, દર ચોમાસે વરસાદમાં પાણી ભરાઈ છે. રોડ ખરાબ હોવાથી વરસાદી પાણી ખાડાઓમાં ભરાતા વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડે છે. આથી દર વખતે ચોમાસાની સિઝનમાં ચાર મહિના ધંધા ઉપર માઠી અસર થાય છે. તેથી તંત્ર હવે નક્કર પગલાં ભરે તે જરૂરી છે.
ટેક્સ ભરીએ તો સુવિધા મેળવવાનો ન્યાયિક હક્ક
લાતીપ્લોટ-2ના વેપારી હીમાગું રંગપરિયાએ મહાનગરપાલિકાના કમિશનર સમક્ષ માંગ કરતા કહ્યું હતું કે, તેઓ ટેક્સ સમયસર ભરપાઈ કરી શક્યા ન હતા. તો એનું વ્યાજ ભરવું પડ્યું હતું. પણ સામે સુવિધા તો આપવી જોઈએ. હું ચૂંટણીમાં કે રાજકારણના વિષયમાં પડવા માંગતો નથી. એમે ટેક્સ ભરતા હોય તો અમને સુવિધા માંગવાનો અધિકાર છે અને તંત્રને સુવિધાઓ આપવાની ફરજ છે. એ ફરજ તો પુરી બજાવો.
40 વર્ષથી યાતના ભોગવીએ છીએ હવે તો બીજે શિફ્ટ થવું પડશે
લાતીપ્લોટમાં પાનની દુકાન ધરાવતા સંજયભાઈએ કહ્યું હતું કે, 40 વર્ષથી દર ચોમાસે પાણી ભરાવવા, ખરાબ રોડ, વાહનો ફસાઈ અને જેસીબીને બોલાવી એને બહાર કાઢવા સહિતની મુસીબતોનો સામનો કરીએ છીએ. ચોમાસામાં ચાર મહિના વેપાર ધંધા તો બંધ હોય તેવી જ સ્થિતિ હોય છે. વેદના સહન કરવાની એક હદ હોય એ હદનો હવે અંત આવી ગયો છે. જો તંત્ર કે સરકાર આ ગંભીર પરિસ્થિતિ હલ નહિ કરે તો અન્ય વેપાર ધંધાની જેમ તેમને પણ અન્ય જગ્યાએ શિફ્ટ થવું પડશે.
દબાણો અને ટેક્સની કામગીરીની સાથે મૂળભૂત સુવિધાઓ આપો
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આજે લાતીપ્લોટની ગંભીર સમસ્યા મુદ્દે તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યો હતા. તેમણે લાતીપ્લોટની મુલાકાત લઈ વાહનો ફસાતા હોય વેપારીઓ ચાલીને પણ જઈ શકતા ન હોય તેવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દરકાર કરતું ન હોય તંત્રને માત્ર દબાણો દૂર કરવામાં અબે ટેક્સ ઉઘરાવવામાં રસ હોય સુવિધાઓ આપવાની કઈ પડી ન હોવાનું જણાવી આ કામગીરીની સાથે સુવિધાઓ આપવાની ટકોર કરી છે.
કામચલાઉ ધોરણે કપચી પાથરી દેવાશે
ડે. મ્યુનિસિપલ કમિશનર સોનીએ લાતીપ્લોટમાં મુલાકાત લઈને સમસ્યાનું નિરીક્ષણ કરી હાલના તબબકે વેપારીઓની હાલાકી દૂર કરવા કપચી પાથરીને રોડ ચાલવા યોગ્ય બનાવી દેવાનું કહ્યું છે. સામેપક્ષે વેપારીઓએ કહ્યું હતું કે, મનપાની ટીમ આવી હતી પણ નેતાઓ હવાઈ પરીક્ષણ કરતા હોય એમ ઊડતી નજર કરીને અધિકારીઓએ ચાલતી પકડી હતી. તંત્ર જે કપચી પથરવાનું કહે છે એ થિંગડા મારવા જેવી વાત છે. આ ઝીણી કપચી તો વરસાદ પડવાથી ધોવાઈ જશે.આ રીતે તો અમારે આખું ચોમાસુ હાલાકી ભોગવાની રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.