હળવદ : હળવદ તાલુકાના સુખપુર ગામના પાટિયા પાસે સરકારી મકાન બાબતે કાગળો માંગવા ફોન કરતા આરોપીઓને સારું નહિ લાગતા યુવાન ઉપર છરી વડે હુમલો કરી પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુખપુર ગામે રહેતા રોહિત ભુપતભાઇ લોદરિયાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જ્યોતિષ માલુભાઈ લોદરિયા અને વિશાલ જ્યોતિષભાઈ લોદરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીના ભાઈને સરકારી મકાન મળવાનું હોવાથી કાગળો અંગે ફોન કરતા આરોપીઓને સારું નહિ લાગતા પ્લાસ્ટિકના પાઇપ વડે તેમજ ઢીકા પાટુનો માર મારી છરીનો ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે હળવદ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.