ધોળા દહાડે તાળા ખોલી એક કિલો ચાંદી અને સોનાના દાગીનાની થયેલી ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા
હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે ઘરધણી પરિવાર સાથે વાડીએ ખેતી કરવા ગયા બાદ બંધ પડેલા ઘરને જાણભેદુ તસ્કરે નિશાન બનાવી ઘરમાં પડેલ એક કિલોગ્રામ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાની ચોરી કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને ખેતી કરતા ફરિયાદી લક્ષ્મણભાઇ રતુભાઈ જાબુંકીયાએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.17 ના રોજ તેઓ પરિવાર સાથે વાડીએ ખેતી કરવા જતા પાછળથી બંધ રહેલા ઘરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવી ઘરના તાળા ખોલી એક કિલોગ્રામ જેટલા ચાંદીના દાગીના તેમજ પાંચથી છ ગ્રામ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 50 હજારની મતાની ચોરી કરી ગયા હતા.નોંધનીય છે કે, ભોગ બનનાર ઘરના ગોખલામાં ચાવી રાખતા હોય કોઈ જાણભેદુ વ્યક્તિએ જ ચોરી કરી હોવાનું મનાય રહ્યું છે. હાલમાં પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.