વડવાળા યુવા સંગઠન દ્વારા સામાજિક એકતા અને શૈક્ષણિક ચેતનાને પ્રોત્સાહિત કરવા અનેરું આયોજન
મોરબી : મોરબીમાં વર્ષોથી પ્રકૃતિ અને ધરતી માતાના ખોળે આત્મીય નાતો કેળવી પશુપાલનના વ્યવસાયથી આજીવિકા મેળવતો મચ્છુકાંઠા તથા હાલાર રબારી સમાજ હવે હાઈટેક યુગમાં શિક્ષણની મહેતા સમજીને સમંજના વિદ્યાર્થીઓ સ્વબળે કઠોર પરિષમ કરી શિક્ષણ ક્ષેત્રે જ્વલંત સિદ્ધિ મેળવી હોવાથી આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વડવાળા યુવા સંગઠન દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડવાળા યુવા સંગઠન દ્વારા આવતીકાલે તા.14-6-2026, રવિવારના રોજ સામાજિક એકતા અને શૈક્ષણિક ચેતનાને વેગ આપવા માટે એક ભવ્ય "તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ - 2026" નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વડવાળા યુવા સંગઠન દ્વારા સામાજિક એકતા અને શૈક્ષણિક ચેતનાને પ્રોત્સાહિત કરવા અનેરા આયોજિત કાર્યક્રમમાં મચ્છુકાંઠા તથા હાલાર રબારી સમાજના શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવશે.
સમાજના યુવાધનને યોગ્ય દિશા અને પ્રેરણા મળે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાનારા આ મંગલમય પ્રસંગે દીપ પ્રાગટ્ય તથા અધ્યક્ષ સ્થાને પ.પૂ. જગદગુરુ નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ (વડવાળા મંદિર, દૂધરેજધામ) ઉપસ્થિત રહેશે. આ સાથે જ સમાજના કલ્યાણ અર્થે પરમ આદરણીય મેઘ મહામંડલેશ્વર રામબાલકદાસજી બાપુ (મહંત, વડવાળા મંદિર - દુધઈ) અને પરમ આદરણીય બંસીદાસજી બાપુ (મહંત, આપાઝાલાની જગ્યા - મેસરીયા) પોતાના અમૃત વચનો દ્વારા આશિર્વચન પાઠવશે. આ દિવ્ય પ્રસંગે ભુવા લક્ષ્મણઆતા (ખાનકોટડા) અને ભુવા સવાઆતા (અદેપર) પણ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.
વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડતર માટે આ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રબારી સમાજનું ગૌરવશાળી વ્યક્તિત્વ રેખાબેન દેસાઈ તેમજ જાણીતા મોટીવેશનલ સ્પીકર અને સામાજિક અગ્રણી ડૉ. અવનીબેન આલ મુખ્ય માર્ગદર્શક અને મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી પ્રેરણાદાયી વિચારો રજૂ કરશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સમાજના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહી યુવાનોનો ઉત્સાહ વધારશે. જેમાં મોરબીના ડી.વાય.એસ.પી. જે.એમ.આલ, નિવૃત ડી.વાય.એસ.પી. આઈ.એન. દેસાઈ (અમદાવાદ), પી.એસ.આઈ. ડી.વી.ખાંભલા અને મોરબીના એસ.ટી.ઓ. જે.બી. દેસાઈ ઉપસ્થિત રહેશે.
સન્માન સમારોહ આગામી રવિવારે સાંજે 6 કલાકે સમરસ ભવન, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે યોજાશે. વડવાળા યુવા સંગઠન - મોરબી દ્વારા તમામ સામાજિક અગ્રણીઓ, વડીલો, ભાઈઓ અને બહેનોને આ ગૌરવવંતા પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.