મોરબી : મોરબીમાં વધુ એક વ્યાજખોરીના અનહદ ત્રાસથી યુવકે જીવતરનો અંત અણવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વ્યાજે લીધેલી રકમ વ્યાજ સાથે ચૂકવી દીધા છતાં વ્યાજખોરે વધુ પૈસા પડાવવા પઠાણી ઉઘરાણી કરી સતત ધક ધમકીઓ આપતા રોજરોજના ત્રાસથી જીવવું હરામ થઈ જતા અંતે યુવકે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબી શહેરના નાની વાવડી વિસ્તાર નજીક ધર્મનગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી દ્વારા મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મુજબ તેમણે નજરબાગ મફતીયાપરા ભડીયાદ, મોરબી ખાતે રહેતી જયાબેન ખિમજીભાઈ મોરડીયા પાસેથી રૂપિયા 50,000 વ્યાજે લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ અલગ-અલગ તારીખે રોકડ રૂપિયામાં કુલ રૂપિયા 40,000 વ્યાજ ચુકવી દીધું હતું તેમજ મૂળ રકમ ગુગલ પે મારફતે પરત કરી હોવાનું જણાવ્યું છે. છતાં આરોપી દ્વારા સતત વધુ વ્યાજ અને રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, વ્યાજની માંગણી પૂર્ણ ન થતાં આરોપી ફરિયાદીની ભાડાની દુકાને પહોંચી તેની પત્ની સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. સતત માનસિક તણાવથી કંટાળી ફરિયાદીએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ભાનમાં આવતા ફરિયાદીએ સમગ્ર ઘટનાની પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.