ઘરેથી કહ્યા વગર નીકળેલી મહિલાનો પતિ સાથે અભયમ ટીમે મેળાપ કરાવ્યો
મોરબી : મોરબીમાં ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી મહિલાનું અભયમ ટીમે સફળ કાઉન્સેલિંગ કરી તેના ઘરે મૂકી આવી પતિ સાથે મિલન કરાવ્યું હતું. સાથે બીજી વખત આવી રીતે કહ્યા વગર ન નીકળવા સમજાવવામાં પણ આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.8ના રોજ 112 ટીમ દ્વારા 181 હેલ્પલાઇનમાં કોલ કરવામાં આવ્યો હતો કે મોરબી રવાપર નદી ગામમાં એક વાડી વિસ્તારમાં એક મહિલા મળી આવેલા હોય મહિલા આમતેમ દોડાદોડી કરતા હતા. મહિલા કોઈનું માનતા પણ ન હતા અને સરખું સરનામું પણ આપતા ન હતા. મહિલા પાસે મોબાઈલ પણ હોય પરંતુ પાસવર્ડ આપતા ના હોય અને તેમના મોબાઇલમાં ફોન આવે તો વાત પણ કરવા તૈયાર ન હોય અને મહિલા ગભરાયેલી હાલતમાં હોય માટે અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગવામાં આવી હતી.
જેથી કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા. સૌપ્રથમ મહિલાને સાંત્વના આપવામાં આવી તેમજ બંને ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૂર્વક કાઉન્સિલીગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલા જણાવેલ કે તેઓ એમ.પી.ના છે પણ ઘણા વર્ષોથી મોરબી ખાતે ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. વધુમાં મહિલા એ જણાવ્યું હતું કે હું મારા પતિ મારા સાસુ સસરા અને મારા દિકરા સહિતનાં પરિવારના સભ્યો સાથે રહું છું અને ખેતીકામ કરું છું. મારા મગજમાં થોડું ટેન્શનમાં હોય માટે સાંજના સમયે જમીને મારી મરજીથી હું છેલ્લા ત્રણ - ચાર કલાકથી ઘરે કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયેલ છું. ટીમ દ્વારા મહિલાને આશ્વાશન આપી ઘરે જઈ પતિ સાથે મિલાપ કરાવાયો હતો. સાથે મહિલાને ઘરેથી ન નીકળી જવા બાબતે સમજાવવામાં આવ્યા હતા. મહિલાને તેમના પતિના ઘરે સહી સલામત સોંપવામાં આવેલ હોય જેને લઈ તેમના પતિ અને વાડીના માલિકે બંને ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.