યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 'વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીમાં જીવન ઘડતરમાં માતૃભાષાના મહત્વનું મહત્વ સમજાવ્યું
મોરબી: મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે 20 ફેબ્રુઆરીના રોજ 'વિશ્વ માતૃભાષા દિવસ' નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં માતૃભાષા ગુજરાતીના જતન અને સંવર્ધનનો સુર ગુંજ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ વિરડા આરતી, બાલાસરા બંસી અને જોશી અંજલી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી પ્રાર્થનાથી થઈ હતી. ત્યારબાદ કાર્યક્રમના સંયોજક અને કોલેજના આચાર્ય ડો. રામભાઈ વારોતરિયાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ભેટમાં મળેલા પુસ્તકો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરંપરાગત દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મૂકાયો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાનો માતૃભાષા દિવસ નિમિત્તેનો પ્રેરક સંદેશ વાંચી સંભળાવવામાં આવ્યો હતો, જેણે સૌ શ્રોતાઓમાં ભાષા પ્રત્યેનો ગર્વ જગાડ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. જયંતીભાઈ ભાડેશિયા અને વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રો. ડો. જે. એમ. ચંદ્રવાડિયા તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ડો. રાજેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. ડો. જે. એમ. ચંદ્રવાડિયાએ પ્રેમાનંદ, નર્મદ અને દલપતરામ જેવા કવિઓના સ્મરણ સાથે ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ પંક્તિઓ રજૂ કરી હતી. આધુનિક સમયમાં માતૃભાષાની જાળવણી કેવી રીતે કરવી તે અંગે તેમણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ડો. રાજેશ મકવાણાએ ભાષા લુપ્ત થવા સામે ચિંતા વ્યક્ત કરી અને તેને બચાવવા માટે દિશા-નિર્દેશ આપ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને મેઘાણી, રાવજી પટેલ અને હરીન્દ્ર દવે જેવા મહાન લેખકોના પુસ્તકો વાંચવા માટે પુસ્તકાલયનો મહત્તમ ઉપયોગ કરવા સૂચન કર્યું હતું. ડૉ. જયંતીભાઈ ભાડેશિયાએ મુખ્ય અતિથિ પદેથી તેમણે જીવનમાં ભાષાનું શું મહત્વ છે અને વ્યક્તિત્વ ઘડતરમાં માતૃભાષા કેવી રીતે પાયાનો ભાગ ભજવે છે તે વિગતવાર સમજાવ્યું હતું.
આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું, જ્યારે અંતમાં ડૉ. અતુલ ધ્રુવે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મોરબીના સાહિત્યપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.