મોરબી : મોરબી સહિત રાજ્યની તમામ સરકારી શાળાઓમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોય ત્યારે સમગ્ર વર્ષ દરમ્યાન અનેકવિધ બિનશૈક્ષણિક કામગીરીઓ, અનેક ઉત્સવોની ઉજવણી વચ્ચે વિદ્યાર્થીઓને સરખી રીતે ભણાવવા તો નથી દીધાં પણ અત્યારે વાર્ષિક પરીક્ષા પણ સરખી રીતે નથી લેવાં દેતાં તેવી ફરિયાદ સાથે શિક્ષકઆલમ સરકારની જોહુકમીથી ખફા થઈ ગયો છે.
શિક્ષકોનો ફરિયાદ મુજબ અનેકવિધ કામગીરીઓ જેમ કે કર્મયોગી પોર્ટલમાં ઓનલાઈન તાલિમ લેવી, સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની લીધેલ બે ત્રિમાસિક કસોટી,પ્રથમ સત્ર પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પેપરો ચકાસી પ્રશ્નવાઈઝ માર્કની ઓનલાઈન એન્ટ્રીની 29 જેટલી કોલમ અપલોડ કરવી,પરિણામો તૈયાર કરવા, વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ ગઈ,આખું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થઈ ગયું ત્યારે વિદ્યાર્થીઓની સ્વ-અધ્યયન પોથીઓ સમગ્ર શિક્ષા અભિયાન- ગાંધીનગરથી આવતા કલસ્ટર કક્ષાએથી લેવા જવી, સ્થાનિક સ્વ-રાજ્યની ચૂંટણીની કામગીરી, તેમાંય અધૂરામાં પૂરું હોય એમ ગાંધીનગર શિક્ષણ વિભાગમાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટી અગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં આપવાનું ફરમાન થયું છે પણ શાળા કક્ષાએ જે એલ.સી.બુકનો,જે વયપત્રક રજીસ્ટરનો નમૂનો છે એમાં વિદ્યાર્થીઓની માહિતી ગુજરાતીમાં છે,નવી એલ.સી.બુક પણ ફાળવવામાં આવી નથી. પરિપત્રમાં આપેલા નમૂના પ્રમાણે એલ.સી.માં માતાનું નામ,આધારકાર્ડ મુજબ નામ,વતન,બેંક એકાઉન્ટ નંબર,યુઆઈડી નંબર,અપાર આઈડી વગેરે ગુજરાતીમાં અને અંગ્રેજી એમ બંને ભાષામાં લખવાની સુચના આપેલ છે,
ધો.1-5માં 800 કલાક, ધો.6 થી 8 માં 1000 કલાક સુધી શિક્ષણકાર્ય
પ્રથમ સત્ર આખું મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ગયું એમાં વળી અમુક જિલ્લામાં ડીપીઈઓ આચાર્યો પાસેથી એવા પ્રમાણ પત્ર માંગી રહ્યા છે કે ધોરણ એકથી પાંચમા 800 કલાક અને ધો.6 થી 8 માં 1000 કલાક શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય થયું છે એની ખાત્રી બદલ પ્રમાણપત્ર લખી આપવું,અરે,એકબાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયની અનેક કામગીરીઓમાં જોતરી દેવામાં આવે છે અને બીજી બાજુ આવા પ્રમાણપત્ર માંગવામાં આવે છે એ કેટલું વ્યાજબી છે? વળી,હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ શિક્ષકોને ફરજના હુકમ ફાળવી દીધાં હોય તમામ શિક્ષકોને ચૂંટણીની ત્રણ ત્રણ તાલિમ લેવી, પ્રત્યક્ષ ચૂંટણી ફરજ બજાવવી, અમુક શિક્ષકોને ઘરે લગ્ન પ્રસંગ હોય,અનેક શિક્ષકોને શારીરીક તકલીફ હોય, ચૂંટણીના દિવસે જ અગત્યની કામગીરી હોય વ્યાજબી કારણો હોવા છતાં અમુક રિટર્નીગ ઓફિસરો ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપતા નથી,
ઉનાળુ વેકેશનમાં વસ્તી ગણતરીના કારણે શિક્ષકો ફરવા નહિ જઈ શકે
સતત બે માસ સુધી બીએલઓએ ઘરે ઘરે ફરી મતદાર યાદી સઘન સુધારણા સરની ખુબજ સરસ કામગીરી કરી છતાં બીએલઓને ચૂંટણીમાં પ્રિસાઈડિંગ ઓફિસરના હુકમો આપી દીધા છે,શિક્ષકો દિવાળી વેકેશનમાં મતદારયાદી સુધારણા કામગીરીના કારણે ફરવા જઈ શક્યા નહીં, ઉનાળુ વેકેશનમાં વસ્તી ગણતરી કામગીરીના કારણે પણ શિક્ષકો ફરવા નહિ જઈ શકે, વગેરે અનેકવિધ કામગીરીના કારણે સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષકો મુંઝવણ અને મુશ્કેલી અનુભવી રહ્યા હોય,શિક્ષકો તંત્રથી અસંતોષ અનુંભવી રહ્યા છે.