Saturday - May 18, 2024

મોરબીમાં માતાએ ઘરબાર છોડી દેતા માતાનો વિયોગ સહન ન થતા પુત્રએ જીવ દીધો

મોરબીમાં માતાએ ઘરબાર છોડી દેતા માતાનો વિયોગ સહન ન થતા પુત્રએ જીવ દીધો

મમતા મયી માં એ જ દરેક સંતાનનું સર્વસ્વ હોય છે. આમ છતાં ઘણીવાર સંતાનો લગ્ન કર્યા બાદ સામેના પાત્રના ટોર્ચરથી પોતાના જીવથી પણ વધુ વહાલી માતાઓને વૃદ્ધાશ્રમમાં મૂકી આવતા હોવાની ઘટના વચ્ચે મોરબીમાં માતૃપ્રેમની કરુણ ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની ફેકટરીમાં કામ કરતા યુવાને ત્રણ વર્ષથી માતા ઘર છોડીને ચાલ્યા ગયા હોય એનો એટલો બધો આઘાત લાગ્યો કે, આ પુત્રએ માતાના વિયોગમાં ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો.

મોરબીના ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ ક્રિસાઝ ફાર્માસ્યુટિકલ કંપનીમા કામ કરતા મૂળ બનાસકાંઠા જિલ્લાના વતની અલ્પેશભાઈ હેમસંગજી ઠાકોર ઉ.વ.19ના નામના યુવાને પોતાની ફેકટરીના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આથી તેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પરિવારજનોની પૂછપરછમાં એવું તારણ બહાર આવ્યું છે કે, આ મૃતક યુવાન અહીં તેની માતા સાથે રહીને મજુરી કામ કરતો હોય પણ અચાનક તેની માતા નર્મદાબેન ત્રણેક વર્ષ પૂર્વે ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હતા. આથી પુત્ર અને તેનો પરિવાર ઘણા સમયથી માતાની શોધખોળ કરતો હોય તેમ છતાં માતાનો પત્તો ન લાગતા અંતે માતાના વિરહનો આઘાત જીરવી ન શકતા પુત્રએ આ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવતા ભારે અરેરાટી મચી ગઇ છે.