મુખ્ય બજાર વિસ્તારોમાં લારી-ગલ્લા અને પાથરણા સહિતના દબાણો દૂર કરી માર્ગોને ખુલ્લા કરાયા
મોરબી : મોરબી મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાનો ફરી એકવાર ટ્રાફીકના અડચણના નામે સામાન્ય ધંધાર્થીઓ પર કરોડો વીંઝાયો હતો. જેમાં શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં ટ્રાફિકને અડચણરૂપ લારી, ગલ્લા, પાથરણા અને સામાન્ય ફેરિયાઓને હટાવીને મુખ્ય માર્ગોને એકદમ ખુલ્લા કરી દીધા હતા. જો કે એક વર્ષથી મનપા દ્વારા ચાલી રહેલી સતત દબાણ હટાવ કામગીરીમાં કાયદો બધા માટે એક સમાન હોવા છતાં દબાણના નામે માત્ર સામાન્ય ધંધાર્થીઓને નિશાન બનાવી મગરમચ્છના મોટાપાયે દબાણોને ક્યારેય પણ હાથ પણ.લગાડ્યો ન હોવાનો વિસ્થાપીતોએ હૈયાવરાળ ઠાલવી છે.
મોરબી મનપા દ્વારા આજે બપોર બાદ શહેરના હાર્દ સમાન અને એકદમ ગીચ વિસ્તાર ગણાતા નેહરુ ગેઈટ ચોકથી જુના બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં નહેરુ ગેઈટ ચોકથી જુના બસ સ્ટેન્ડ અને અયોધ્યાપુરી રોડ પર અડચણરૂપ લારી-ગલ્લા અને અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા નેહરુ ગેઈટ ચોક વિસ્તારમાંથી અંદાજે 30 થી 35 જેટલી લારીઓ તથા નેહરુ ગેઈટ ચોકથી જૂના બસ સ્ટેન્ડ સુધીના રોડ પરથી અન્ય 30 જેટલી લારીઓ મળી કુલ 70 જેટલી લારીઓ હટાવવામાં આવી છે. આ ઉપરાંત દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે રસ્તો રોકતા સામાન પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં દુકાનદારોએ બાઈક પાર્કિંગ ન થાય તે માટે મુકેલી 2 જેટલી લોખંડની જાળીઓ, મોબાઈલ કવરનું સ્ટેન્ડ, 3 થી 4 વજનકાંટા અને 5 થી 6 છત્રીઓ પણ જપ્ત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાએ આ સામાન્ય ધંધાર્થીઓને ટ્રાફિકને નડતરરૂપ હોવાનું જણાવીને હટાવી દઈ તેમના ધંધા માટે વાવડી રોડ ઉપર વૈકલ્પિક વ્યવસ્થા કરી છે.