પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા થઈ ગયા હોય સમાધાન માટે બોલાવી હુમલો કર્યાની ફરીયાદ
મોરબી : મોરબીના શંકર આશ્રમ પાસે આવેલ રાણીબાગ નજીક અગાઉ પ્રેમલગ્ન બાદ છૂટાછેડા થઈ ગયા હોય યુવાને પ્રેમિકાને સમાધાન માટે બોલાવી વાતચીત કરી હતી જો કે, પ્રેમિકાએ સમાધાનની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા યુવાને છરીના ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના વીસીપરામાં કુલીનગરમાં રહેતા આમેનાબેન કાસમભાઈ બ્લોચ ઉ.26 નામની યુવતીએ આરોપી રવિભાઈ નીતિનભાઈ સોલંકી રહે.તિલકધામ સોસાયટી, કુબેરનાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેણીએ અગાઉ આરોપી રવિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જો કે, આરોપી રવિ અવાર નવાર ચારિત્ર્ય ઉપર શંકા કરતો હોય જેથી છુટાછેડા થઈ ગયા હતા. દરમિયાન ગત તા.2 ઓક્ટોબરના રોજ આરોપીએ રાત્રીના અગિયારેક વાગ્યે શંકર આશ્રમ રાણીબાગ પાસે સમાધાન માટે બોલાવતા ફરિયાદી ગયા હતા અને સમાધાનની ના પાડતા ઝઘડો થયો હતો. જેમાં ઝપાઝપી થતા આરોપી રવીએ છરી વડે હુમલો કરી હાથના આંગળા, ગળાના ભાગે, મોઢે, નાકે તેમજ ડાબા પડખામાં ઇજા પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.