Thursday - Jun 11, 2026

મોરબીમાં ધોળે દહાડે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂ. 16.33 કરોડનો બોજો

મોરબીમાં ધોળે દહાડે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂ. 16.33 કરોડનો બોજો

વીજ બચતની દુહાય દેતા ખુદ તંત્રએ જ નિયમનો ઉલાળીયો કરી પ્રજાના પૈસાનો કર્યો ધુમાડો

મોરબી : કોના બાપની દિવાળી ? ની જેમ સીરામીક સીટી મોરબીમાં નગરપાલિકાના વખતથી પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને તંત્ર જ લોકોને વીજ બચત કરવાની સુફોયાણી સલાહ આપે છે. દિવા તળે અંધારાની જેમ ખુદ તંત્ર જ વીજ બચત કરવાનું ભુલ્યું છે. પહેલા નગરપાલિકા અને હવે મહાપાલિકાની બેદરકારીને કારણે પ્રજા માથે કરોડોનો વીજ બીલનો બોજો આવ્યો છે. આશરે દોઢ દાયકા અગાઉ પહેલા જ નગરપાલિકાની શહેરમાં શેરી, ગલી, વિસ્તારમાં મોટી સ્ટ્રીટ લાઈટ હતી. તેનાથી વધુ વીજ ખાદ્ય થતી હતી. આથી આ મરક્યુરી લાઈટ કરતા એલઇડી લાઈટો ઓછી વીજળી ખાતી હોવાથી વીજ બચત માટે આખા શહેરમાં તમામ જાહેર વિજપોલમાં નવી કરોડોના ખર્ચે સ્ટ્રીટ લાઈટોને કાઢી એલઇડી લાઈટો નાખવામાં આવી હતી. પણ જે તે વખતે તંત્ર લાઈટ ચાલુ બંધ કરવાની સિસ્ટમ એટલે ટાઇમર સેટ કરવાનું ભૂલી ગયું હતું. પરિણામે મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક આ એલઇડી લાઈટો ચાલુ રહે છે. ધોળા દહાડે વર્ષોથી લાઈટના ઝળહળા થતા હોવા છતાં તંત્રના આખે જાણે મોતિયો આવી ગયો હોય એમ આ લાઈટો દિવસે બંધ કરવાની નગરપાલિકા બાદ હવે મનપાએ પણ જરાય તસ્દી લીધી નથી. 24 કલાક લાઈટો ચાલુ રહેતા વીજળીનો અપવ્યય થતા હમણાં જ પીજીવીસીએલે મનપાને વર્ષોનું બાકી રૂ.16.33 કરોડની માતબર  રકમનું વીજ બિલ ફટકાર્યું હતું. વીજ જોડાણ કટ થાય એ પહેલાં જ મનપાએ આ નગરપાલિકા વખતનું બાકી કરોડોનું વિજબીલ ભરી દીધું હતું. આ વીજ બિલ ભરીને તંત્રએ મોટું મીર માર્યું એવું દેખાવડાનો હીન પ્રયાસ કર્યો છે. હકીકતમાં હજુ પણ પ્રજાના પૈસાનો ધુમાડો નહિ રોકાઈ તો આના કરતાં પણ પ્રજા પર મોટો વીજ બીલનો બોજો આવશે.
 

મોરબીમાં ધોળે દહાડે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂ. 16.33 કરોડનો બોજો

પ્રજાના એકપણ પૈસાનો ક્યારેય દુરુપયોગ થવો જોઈએ નહીં

જાગૃત નાગરિક રાજુભાઈ દવેએ જણાવ્યું હતું કે, શહેરના મોટાભાગના વિસ્તારોમાં દિવસે પણ વર્ષોથી લાઈટો ચાલુ રહે છે. આ ખુલ્લેઆમ લોકોને દેખાતું હોવા છતાં તંત્રને ન દેખાય એ બાબત ગળે ઉતરે એવી નથી. જ્યારે શનાળા રોડ અને વાવડી રોડ પર લાઈટોની જરૂર હોય ત્યાં આ સુવિધા નથી. ત્યારે હવે મનપા તંત્રએ જે બાકી વીજ બિલ ભર્યું છે. એ પોતાના કે સરકારના ખિસ્સામાંથી ભર્યું નથી. એ પ્રજાના કરવેરામાંથી ચૂકવાયું છે. એટલે પ્રજાના પૈસાનો ખોટો વ્યય ન થાય એની ખાસ તકેદારી રાખવાની મનપાના જવાબદાર અધિકારીઓની જવાબદારી છે. પણ જે રીતે વર્ષોથી દિવસે લાઈટો ચાલુ રહે છે. એ જોતાં નગરપાલિકા બાદ હવે મનપાના અધિકારીઓ પણ જવાબદારી ચુક્યા હોય એવું લાગી રહ્યું છે.
 

મોરબીમાં ધોળે દહાડે લાઈટના ઝળહળાથી પ્રજા પર રૂ. 16.33 કરોડનો બોજો

મોરબી મહાનગરપાલિકાના નવા ભળેલાં વિસ્તારોમાં અંધારપટ

મોરબી મહાનગરપાલિકાના નવા ભળેલા વિસ્તારોમાં અંધારપટ છે. જેમાં મોરબી મહાનગરપાલિકામાં ભળેલા નવા વિસ્તારો જેવા કે મહેન્દ્રનગર, ઇન્દિરાનગર, માળિયા વનાળિયા, શનાળા, વાવડી અને રવાપરમાં સ્ટ્રીટ લાઈટની ગંભીર સમસ્યા છે. અનેક વિસ્તારોમાં હજુ સુધી નવી એલઇડી લાઈટ નાખવામાં જ આવી નથી. જ્યાં લાઈટો છે ત્યાં મોટાભાગની બંધ હાલતમાં છે. અંધારાને કારણે રાત્રે અકસ્માત અને સુરક્ષાનો ભય રહે છે. બહેન દિકરીઓ ને રાત્રીનાં સમય માં નિકળવા પર ડર લાગે છે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.