મોરબી : મોરબી શહેરમાં વ્યાજખોરો પોલીસના ડર વગર કાયદો હાથમાં લઈ રહ્યા છે, અગાઉ ટ્રેક્ટરના શોરૂમમાં કાર ઘુસાડી પઠાણી ઉઘરાણી કરી અપહરણ જેવા બનાવો બન્યા છે ત્યારે ગઈકાલે બપોરે બે વ્યાજખોરોએ મહેન્દ્રનગર ચોકડી નજીક યુવકે અગાઉ વ્યાજખોર વિરુદ્ધ કરેલી પોલીસ અરજીનો ખાર રાખી પાઇપ વડે માર મારી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે બે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના રવાપર રોડ પર ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનો ધંધો કરતા કેવલભાઈ વિનોદભાઈ હરણીયા ઉ.23 નામના યુવકે આરોપી સુરેશ જેમલભાઈ ભંભુરિયા રહે.ગજડી તા.ટંકારા અને આરોપી પ્રકાશ રામજીભાઈ પઢારીયા રહે.રામપર, તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે બન્ને આરોપીઓ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શિવાની કોમ્પ્લેક્સ પાસે મળી જતા આરોપીઓએ લોખંડના પાઈપથી માર મારી અગાઉ વ્યાજના પૈસા બાબતે કેમ પોલીસમાં અરજી કરી હતી તેમ કહી માર મારી પોલીસની હાજરીમાં થયેલ સમાધાન ભૂલી જવાનું કહી હવે તને તો માર્યો પણ તારા બાપ અને મામાને પણ નહીં મૂકી કહી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આ મારકુટ દરમિયાન કેવલનો સોનાનો ચેઇન પણ ખોવાઈ ગયો હોય પોલીસમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.