20 હજાર રૂપિયામાં ભાડે આપેલ બેન્ક એકાઉન્ટમાં 14.55 લાખના વ્યવહાર સામે આવ્યા, ત્રણ વિરુદ્ધ ગુંન્હો દાખલ
મોરબી : ડિજિટલ ઍરેસ્ટ અને સાયબર છેતરપિંડી કરતા સાયબર માફિયાઓ બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી આર્થિક ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે જેમા છેલ્લા ત્રણેક મહિનાથી સેંકડો મ્યુલ એકાઉન્ટ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતા પણ લોકો મામુલી લાલચમાં પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આવા જ કિસ્સામાં મોરબીના લાતીપ્લોટમાં રહેતા ડોકટરના ખાતામાં નવેમ્બર 2025ના 11 દિવસમાં 14 લાખથી વધુ રકમ જમા થતા સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી લેતા સાયબર છેતરપિંડીના વ્યવહારો સામે આવ્યા છે.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસે સમન્વય તેમજ એનસીસીઆરપી ડેટા એનાલિસિસના આધારે મોરબીના લાતીપ્લોટમાં 14માં ખ્વાજા પેલેસમાં રહેતા સુજલ સબીરભાઈ ચામડીયા ઉ.વ.20 નામના ડોકટર યુવાનને પૂછપરછ માટે બોલાવી તેમના સીટી યુનિયન બેન્ક એકાઉન્ટમાં તા.13-11 - 2025થી તા.24- 11- 2025 દરમિયાન જમા થયેલ રૂ.14,55,349ની રકમ અંગે પૂછતાછ કરતા આરોપીએ કબુલ્યું હતું કે, તેને રૂપિયા 20 હજારના પોતાના મિત્ર એવા આરોપી મનોજ વાલજી મકવાણા રહે.રંગપર, બોટાદ વાળાને બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હોય અમદાવાદના ચિરાગ નામના વ્યક્તિ અને મનોજે નાણાં જમા કરાવતા આરોપી સુજલે 7,60,034 અલગ અલગ માધ્યમથી ઉપાડી આરોપીઓને આપ્યા હતા.
વધુમાં મોરબી સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મ્યુલ એકાઉન્ટમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં સાયબર ફ્રોડ થયું હોવાથી સુજલના બેન્ક એકાઉન્ટ નંબર સાથે અલગ અલગ બે ફરિયાદ પણ નોંધાઇ છે. આમ, ડોકટર જેવા ભણેલા ગણેલા માણસ પણ સાયબર માફિયાઓની ગેંગનો હિસ્સો બની ગયા હોવાનું સામે આવતા સાયબર ક્રાઈમ પોલીસે સુજલ સબીરભાઈ ચામડિયા, અમદાવાદમાં ચિરાગ તેમજ બોટાદ રંગપરના મનોજ વાલજી મકવાણા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.