ઘઉંના બમણા ભાવ આપવાની સરકારની જાહેરાત વચ્ચે પાણીના મૂલ જેવા જ ભાવ મળતા ખેડૂતોની મહેનત માથે પડી
મોરબી : મોરબીમાં હાલ ખેડૂતોને પડ્યા પર પાટુ પડી હોય એવી કપરી પરિસ્થિતિ સામે આવી છે. જેમાં દિવાળી પછી ખેતરમાં ઉગેલો કપાસનો પાક લણવાની તૈયારીમાં જ હતો. ત્યારે કમોસમી વરસાદ ત્રાટકતા મોટાભાગના ખેડૂતોના કપાસનો સોથ વળી ગયો હતો. આથી આ ખોટ સરભર કરવા ખેડૂતોએ રવિ સિઝનની શરૂઆત કરી હતી. જો કે માવઠાને કારણે રવિપાકની સિઝન મોડી શરૂ થઈ હોય છતાં મોટાભાગે ઘઉં, રાય, એરંડા, ચણા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. હવે હોળી પુરી થતા ખેતરોમાં ઘઉંની કાપણી શરૂ થઈ ગઈ છે. આથી 5 માર્ચથી મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક થવા માંડી છે. જેમાં 102 કવીંટલ ઘઉંથી આવક શરૂ થયા બાદ આ આવક ધીરેધીરે વધતા આજે 1950 કવીંટલ ઘઉની આવક થઈ છે. જો કે સરકારે ઘઉંના બમણા ભાવ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત ખેડૂતોની ક્રૂર મજાક સમાન હોવાનો ખેડૂતો બળાપો ઠાલવી રહ્યા છે. કારણ કે, યાર્ડમાં ઘઉંના મણ દીઠ સરેરાશ રૂ.427થી રૂ.451 સુધીના ભાવ મળે છે. અમુક કિસ્સામાં ઘઉં ખૂબ જ ગુણવત્તાવાળા હોય તો જ રૂ.500થી વધુનો ભાવ મળે છે. નહિતર પાણીના મૂલ જેવો જ ભાવ મળે છે. હજુ મોટા પ્રમાણમાં મોરબી યાર્ડમાં ઘઉં આવવાના બાકી છે. ત્યારે 450 આસપાસના જ ભાવ મળશે તો દવા, ખાતર, મોંઘું બિયારણ, મહેનત માથે પડશે તેવી ખેડૂતો હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.
ઘરેબેઠા ઘઉંના 2500 ભાવ મળ્યા
મોરબી યાર્ડમાં ઘઉંના ભાવ 450ની આસપાસ જ મળે છે એની સામે મને ઘરેબેઠા ઘઉંના મણ દીઠ ચાર ગણા વધુ 2500 રૂપિયાનો ભાવ મળ્યો છે. એની પાછળ પ્રાકૃતિક ખેતી જ જવાબદાર છે. ખેતી માટે નુકસાનકારક દવા, યુરિયા ખાતર, બિયારણના ઉપયોગ વિના જ મેં ઓર્ગેનિક ખેતીથી ઘઉંનું સારું એવું ઉત્પાદન કર્યું હતું. અને એનું સારું ફળ મળ્યું હોય એમ યાર્ડ કરતા ચાર ગણા વધુ ભાવો મળ્યા છે. જ્યારે તેમની નજીકના નસીતપર, ખાનપર, કોયલી, ઉમિયાનગર, ખીજડિયા, રામગઢ, લતીપર સહિતના ગામોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં વાવ્યા છે. પણ યાર્ડમાં યોગ્ય ભાવ જ મળતો નથી.
- મનસુખભાઈ સવસાણી ખેડૂત, થોરાળા ગામ, મોરબી
600થી વધુ ભાવ ન મળે તો ખેડૂતોની મહેનત એળે જશે
મોરબી તાલુકામાં આ વખતે ઘઉંની સિઝન સારી છે. પણ હવે ઉત્પાદન થતા ભાવનો મોટો પડકાર છે. એક તો માવઠું નડી ગયું ઉપરથી હવે ખેતરમાં કાપણી એટલે ઘઉંનો ઉતારો બાકી હોય પણ અત્યારે ઉનાળાના પ્રારંભે સખત તાપ પડતા ઘઉં કાળા અને નબળા પડી ગયા છે. વિધે 35 કે 40 મણ ઘઉં મળવા જોઈએ એના બદલે 5 મણ ઓછા ઘઉં ઉતરે છે. સિઝનની શરૂઆતમાં ઘઉંના 427થી વધુ સારા હોય તો 470નો જ ભાવ મળે છે. એટલે ખેડૂતોને સરેરાશ 600થી વધુનો ભાવ મળશે તો જ ખેડૂતોની મહેનત લેખે લાગી ગણાશે.
વિજયભાઈ કોટડિયા - મોરબીના રાજપર ગામના ખેડૂત
ક્વોલિટી પ્રમાણે જ ભાવો મળે
યાર્ડમાં ઘઉંની આવક દિનપ્રતિદિન વધી રહી છે.સિઝન મોડી શરૂ થઈ છે અને હજુ કાપણી ઘણી જ જગ્યાએ બાકી હોય એટલે યાર્ડમાં ઘઉંની ભરપૂર સિઝન આવતા દસેક દિવસ જેવો સમય લાગવાનો અંદાજ છે. ભાવમાં ઘઉંની હરરાજીમાં ઘઉંની ક્વોલિટી જોઈને ભાવ નક્કી થાય છે. એટલે જેવા ઘઉં હોય તેવા જ ભાવ મળે છે. નબળી ક્વોલિટીના ઘઉં હોય તો ઓછા ભાવ મળે અને સારી ઉત્તમ ક્વોલિટીના ઘઉં હોય એના ઉંચા ભાવ મળે છે. ગઈકાલે યાર્ડમાં 6 હજાર મણ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના મણ દીઠ 435થી 525નો ભાવ રહ્યો હતો અને અત્યાર સુધીમાં આજે સૌથી વધુ 9750 મણ ઘઉંની આવક થઈ હતી. ભાવ પ્રતિમણના રૂ. 531 સુધી બોલાયા હતા.
કાંતિલાલ વૈષ્ણાની, માર્કેટિંગ યાર્ડ મોરબી સેક્રેટરી